નવી દિલ્હી, તા. 15 : આઈસીસી વિશ્વ
ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજા ચક્રની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને પાંચ
વિકેટે હરાવ્યું છે. લંડનના લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયેલા મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને
જીત માટે 282 રનનું લક્ષ્ય મળ્યું હતું.
જેને ચોથા દિવસે પાર પાડયું હતું. દક્ષિણ આફ્રિકા આ સાથે એવી ત્રીજી ટીમ બની છે જેણે વિશ્વ ટેસ્ટ ચેમ્પિનયશિપનો ખિતાબ જીત્યો છે. ન્યુઝીલેન્ડ
પહેલા ચક્રમાં અને ઓસ્ટ્રેલિયાએ બીજા ચક્રમાં ખિતાબ નામે કર્યો હતો. આ ખિતાબી જીત સાથે
દક્ષિણ આફ્રિકાની ટીમ ઉપરથી ચોકર્સનું કલંક ધબ્બો હટી ગયું છે. નોકઆઉટ મેચમાં હારવાની
આદતના કારણે લાંબા સમયથી દક્ષિણ આફ્રિકાને ચોકર્સના નામે ટ્રોલ કરવામાં આવતું હતું.
ડબલ્યુટીસી ફાઈનલ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ દક્ષિણ આફ્રિકાને ચોકર્સ શબ્દનો
ઉપયોગ કરીને કટાક્ષ કરી રહ્યા હતા. ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાને જીત માટે 69 રનની જરૂર હતી અને 8 વિકેટ બાકી હતી ત્યારે પણ ઓસ્ટ્રેલિયાના
ખેલાડીઓને આશા હતી કે દ.આફ્રિકાને ઓલઆઉટ કરી શકશે. કેપ્ટન ટેમ્બા બાવુમાએ ખુલાસો કર્યો
હતો કે ફાઈનલના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાના અમુક ખેલાડીઓએ તેને ચીડવવા માટે ચોર શબ્દનો
ઉપયોગ કર્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ એડન માર્કરમે આશા વ્યક્ત કરી હતી કે હવે દક્ષિણ આફ્રિકા
માટે ચોકર્સ શબ્દનો ઉપયોગ થશે નહીં. મેચ બાદ માર્કરમે કહ્યું હતું કે ચોક શબ્દ ફરીથી
સાંભળવો ન પડે તો સારું રહેશે. આ વખતે કામ પૂરું કરવામાં આવ્યું છે કે ટેગથી છુટકારો
મેળવ્યો છે જે મોટી વાત છે.