નવી દિલ્હી, તા. 15 : દુનિયાને
દક્ષિણ આફ્રિકાના રૂપમાં નવી ટેસ્ટ ચેમ્પિયન ટીમ મળી ચૂકી છે. પહેલા બે ચક્રમાં ન્યઝીલેન્ડ
(2021) અને ઓસ્ટ્રેલિયા (2023) વિજેતા રહ્યા હતા. હવે 17 જૂનથી શ્રીલંકા અને બાંગલાદેશ
ટેસ્ટ મેચ મારફતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના ચક્રની શરૂઆત થવા જઈ રહી છે. ભારત ડબલ્યુટીસી 2027નો આરંભ ઈંગ્લેન્ડ સામે આગામી
પાંચ ટેસ્ટની શ્રેણીથી કરશે. આ પ્રવાસની શરૂઆત 20 જૂનથી લીડ્સમાં રમાનારી પહેલી મેચથી થશે. પહેલા બે ચક્રમાં ફાઈનલ
સુધી પહોંચનારી ટીમ ઈન્ડિયા ડબલ્યુટીસી 2025મા ત્રીજા સ્થાને રહી હતી. નવા ચક્રમાં શુભમન ગિલની આગેવાનીની
યુવા ટીમ ફરી એક વખત ખિતાબ સુધીની સફર પૂરી કરવા ઈચ્છશે. જો કે આ માટેનો રસ્તો સરફ
રહેશે નહી. બે વર્ષ સુધી ચાલતી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં દરેક ટીમને કુલ છ શ્રેણી
રમવાની હોય છે. જેમાં ત્રણ શ્રેણી ઘરે હોય છે અને બીજી ત્રણ શ્રેણી વિદેશી ધરતી ઉપર
રમાય છે. ટીમ ઈન્ડિયાની ઘરઆંગણાની અને વિદેશની બન્ને શ્રેણી પડકારજનક બની રહેશે. ભારતે
ઘરેલુ મેદાનમાં નવા ટેસ્ટ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ
સામે રમવાનું છે. ઓસ્ટ્રેલિયા સામે ભારત બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25નો બદલો લેવા માગશે. જેના પરિણામે
ભારતીય ટીમ ડબલ્યુટીસીના ફાઈનલમાં પહોંચી શકી નહોતી. વિદેશ પ્રવાસની વાત કરવામાં આવે
તો 20 જૂનથી શરૂ થનારા ઈંગ્લેન્ડ
પ્રવાસ બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ અને શ્રીલંકામાં જઈને ટેસ્ટ મેચ રમવાનું છે. ભારતે
2009 બાદ ન્યુઝિલેન્ડમાં કોઈ પણ
ટેસ્ટ શ્રેણી રમી નથી. ભારત કુલ 18 ટેસ્ટ મેચ
રમશે. જેમાં વિન્ડિઝ સામે બે, દ. આફ્રિકા
સામે બે, ઓસ્ટ્રેલિયા સામે પાંચ, ઈંગ્લેન્ડ
સામે પાંચ, શ્રીલંકા સામે બે અને ન્યુઝિલેન્ડ સામે બે ટેસ્ટ મેચ
રમશે. ડબલ્યુટીસી 2027મા માત્ર
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત કરતા વધુ ટેસ્ટ રમશે. ભારત 18 ટેસ્ટ મેચ રમશે જ્યારે ઈંગ્લેન્ડ
21 અને ઓસ્ટ્રેલિયા 22 ટેસ્ટ મેચ રમશે.