પેરિસ, તા. 8 : વિશ્વના બે સર્વશ્રેષ્ઠ ખેલાડી
વચ્ચે લાંબા સમય સુધી ચાલેલા મુકાબલાના અંતે રવિવારની રાત્રે સ્પેનના યુવા ટેનિસ સ્ટાર
કાર્લોસ અલ્કારાઝે સળંગ બીજો ફ્રેન્ચ ઓપન ખિતાબ અને પાંચમો ગ્રાન્ડ સ્લેમ જીતી લીધો
હતો. ફ્રેન્ચ ઓપનના ઈતિહાસમાં સૌથી લાંબો સમય એટલે કે, પાંચ કલાક અને 29 મિનિટ સુધી ચાલેલા ફાઈનલ મુકાબલામાં
ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે પણ છેલ્લી ઘડી સુધી મજબૂત લડત આપી હતી. પુરુષ
સિંગલ્સની ટક્કરમાં કાર્લોસ અલ્કારાઝે સિનરને 4-6, 6-7, 6-4, 7-6, 7-6થી હરાવી સળંગ બીજા વર્ષે પ્રતિષ્ઠિત ખિતાબ જીતી લીધો હતો. પહેલા
બે સેટમાં હાર્યા પછી જોરદાર વાપસી કરતાં ત્રણ સળંગ સેટ જીતીને અલ્કારાઝે પોતાનું રાજ
જાળવી રાખ્યું હતું. મુકાબલાના પ્રારંભિક તબક્કામાં કાબેલ અલ્કારાઝની સામે પ્રભાવશાળી
પ્રદર્શન કરતાં જૈનિક સિનરે 6-4થી પહેલો
સેટ જીતી લીધો હતો. બીજા સેટમાં પણ બળૂકી રમત બતાવતાં સિનરે 7-6 (+)થી બીજા સેટમાં પણ બાજી મારી
લીધી હતી. આમ તો સરિયામ મુકાબલા દરમ્યાન બંને ખેલાડીએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને બેઉ
બળિયા બાથે વળગ્યા હોય તેમ છેલ્લી ઘડી સુધી એકબીજાને બરાબરની ટક્કર આપી હતી. ઉલ્લેખનીય
છે કે, આજે મેરેથોન મુકાબલાના અંતે સળંગ બીજીવાર ફ્રેન્ચ
ઓપનનો ખિતાબ જીતનાર કાર્લોસ અલ્કારાઝે 2024ની સ્પર્ધામાં એલેકઝાન્ડર જ્વેરેવને હાર આપી હતી. આ બંને ખેલાડીએ
અગાઉ ક્યારેય ગ્રાન્ડસ્લેમ ફાઈનલમાં હાર નથી જોઈ.