જિજ્ઞેશ આચાર્ય દ્વારા : ગઢશીશા, તા. 8 : એક જમાનામાં ઘર-બંગલા કે કચેરીઓમાં
ટેબલ પર જેનું મોભાનું સ્થાન હતું. એક ને એક માત્ર દૂરસંચારની અતિમહત્ત્વની ભૂમિકા
ભજવતા ટેલિફોનની હવે દુર્દશા જોવા મળી રહી છે. કચ્છના અનેક ગામોમાં મુખ્ય વિસ્તાર કે
તાલુકા મથકોએ ટેલિફોન એક્સચેન્જ માટે સરકાર દ્વારા પર્યાપ્ત કરેલ જમીનો હવે બંજર બની
છે તો સાથે અસામાજિક તત્ત્વના અડ્ડામાં પણ ફેરવાઈ છે. બિલ્ડિંગો તથા તેમાં રહેલ અતિકિંમતી
મશીનરીઓ ધૂળ ખાઈ રહી છે. જિલ્લાના અમુક ગામોમાં તો ખાનગી કંપનીની મોબાઈલ સેવાને પગપેસારો
કરવા ટેલિફોન એક્સચેન્જને સાવ તાળાં લગાવી દેવાયા છે. થોડા સમય પહેલાં જ માંડવી તાલુકાના
એક ગામના ટેલિફોન એક્સચેન્જની છત પરથી દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. આવી અસામાજિક
પ્રવૃત્તિ અટકાવવા ખરેખર દૂરસંચાર વિભાગ દ્વારા પુન: ટેલિફોન-લેન્ડલાઈન કે મોબાઈલ ટાવર
પુન: કાર્યરત કરી લોકોને સુદૃઢ સેવા પૂરી પાડવી જરૂરી બની છે. જેના કારણે ખાનગી કંપનીની
ચલાવાતી લૂંટ સામે પણ લોકોને રાહત મળે તેમ છે. દૂરસંચાર નિગમ દ્વારા લોકોને આકર્ષવા
અનેકવિધ સેવા અપાતી હતી, પરંતુ ખાનગી
કંપની સામે ન ટકી શકતાં હાલ દુર્દશા થઈ છે. એક સમય એવો હતો કે માત્ર ટેલિફોન પર જ અનેક
ફિલ્મી ગીતો પણ રચાયાં હતાં. જેવા કે `મેરે પિયા ગયે રંગુન કિયા હૈ વહાં સે ટેલિફોન...' ખરેખર દૂરસંચાર નિગમ દ્વારા કેટલાય વર્ષોથી
નવી ભરતી ન કરાતાં આવી હાલત થઈ હોવાનું તારણ સામે આવી રહ્યું છે જે પક્રિયા પુન: કરી
તંત્ર સાબદું બને તે જરૂરી બન્યું છે. માંડવી તાલુકાના ગઢશીશા ઉપરાંત શેરડી,
ગંગાપર, દરશડી, રતડિયા,
રામપર વેકરા, બાડા જેવા અનેક ગામોમાં ટેલિફોન એક્સચેન્જની
હાલત દયનીય બની છે. આવી જ રીતે કચ્છમાં કેટલા એક્સચેન્જે બંજર હાલતમાં હશે તે વિચારવું
રહ્યું... ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા સામેથી ટેલિફોન બંધ
કરાવવા ફોર્મ ભરાવાયાં હતાં જેમને ભરેલ ડિપોઝિટ પણ પરત નથી અપાઈ તેવો ગણગણાટ સામે આવ્યો
હતો.