બગોટા (કોલંબિયા), તા. 8 : કોલંબિયામાં
આગામી વર્ષે થનારી ચૂંટણીમાં પ્રમુખ પદના સંભવિત ઉમેદવાર મિગુએલ ઉરીબે ટર્બે ઉપર બગોટામાં
ચૂંટણી સભા દરમિયાન ગોળીબાર કરાયો હતો. ટર્બેને માથામાં પાછળના ભાગે ગોળી વાગતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. હાલમાં ટર્બે કોલંબિયાના
સેનેટર છે અને એમની ડેમોક્રેટિક સેન્ટર પાર્ટીએ નિવેદનમાં કહ્યું હતું કે આ ક્રૂર હિંસાની
ઘટના છે અને અસ્વીકાર્ય કૃત્ય છે. બગોટેમાં ચૂંટણી સભામાં ટર્બે ઉપર ગોળીબાર કરાયો
જેમાં માથાના પાછળના ભાગે એમને ઇજા પહોંચી છે. આ હુમલો ફોન્ટીબોનના એક પાર્કમાં ચૂંટણી
સભા દરમિયાન થયો હતો અને હથિયારબંધ હુમલાખોરોએ ટર્બે ઉપર પાછળથી હુમલો કરીને એમને ઇજા
પહોંચાડી છે. બાગોટાના મેયર કાર્લોસ ગૈલને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સના માધ્યમથી
જાણકારી આપી હતી કે સંદિગ્ધ શૂટરની ધરપકડ થઇ ગઇ છે. સ્થાનિક પોલીસ અને સુરક્ષા અધિકારીઓ
આ મામલાની તપાસ કરી રહ્યા છે. હુમલાખોરની આકરી પૂછપરછ થઇ રહી છે. મે 2026માં કોલંબિયાના પ્રમુખની ચૂંટણી
થવાની છે. મિગુએલ ઉરીબે ટર્બે પ્રમુખ પદના સંભવિત ઉમેદવાર હોવાથી હાલમાં દેશભરમાં તેઓ ચૂંટણી સભાઓ કરી રહ્યા
છે. ટર્બે કોલંબિયાના જાણીતા નેતાઓમાંના એક છે. ગયા વર્ષે એમને ડેમોક્રેટિક સેન્ટર
પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. ટર્બે એક યુવા અને મુક્ત વિચારધારાના
ગતિશીલ નેતા તરીકે ઓળખ ધરાવે છે. ટૂંક સમયમાં ટર્બે કોલંબિયાના ઉભરતા નેતા તરીકે લોકપ્રિય
થઇ રહ્યા છે.