• મંગળવાર, 10 જૂન, 2025

અમેરિકામાં રમખાણો : પોલીસ પર હુમલો

વોશિંગ્ટન તા.8 : અમેરિકાના લોસ એન્જલસ ખાતે છેલ્લા બે દિવસથી રમખાણો ફાટી નિકળ્યા છે. પ્રદર્શનકારીઓના નિશાને પોલીસ તથા ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના અધિકારીઓ છે અને તેમના  ઉપર ફટાકડાં, પથ્થર તથા પેટ્રોલ બોમ્બ ફેંકયા છે. શુક્રવારથી શરુ થયેલી હિંસાને કાબૂ કરવા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ર000 નેશનલ ગાર્ડને લોસ એન્જલસ મોકલ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે સ્થાનિક પ્રશાસન જો પોતાનો ભાગ ભજવી શકતાં નથી તો ફેડરલ સરકાર રમખાણો અને લૂંટફાટ પર નિયંત્રણ મેળવશે. લોસ એન્જલસમાં ગેરકાયદે પ્રવાસીઓ પર કરવામાં આવેલી સખત કાર્યવાહીના વિરોધમાં હિંસાશરુ થઈ છે. પોલિસે 44 જેટલા ઉપદ્રવીઓની ધરપકડ કરી છે.  ગેરકાયદે પ્રવાસીઓને નોકરી આપવામાં આવી રહ્યાની બાતમી બાદ લોસ એન્જલસમાં મોટાપાયે તલાસી અભિયાન છેડાયું હતુ. રોજ સરેરાશ 1600 જેટલા ગેરકાયદે પ્રવાસીઓને અહીંથી પકડવામાં આવ્યા હતા.  હોમલેન્ડ સિકયુરિટી વિભાગે દાવો કર્યો કે શુક્રવારે 1000 જેટલા પ્રદર્શનકારીઓએ ફેડરલ ઈમારતને ઘેરી લીધી હતી અને આઈસીઈ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. તેમણે મેકિસકોનો ઝંડો લહેરાવી આઈસીઈ અધિકારીઓ પાછા જાવ..ના નારા લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ શહેરમાં અનેક જગ્યાએ આગ લગાડી હતી. અનેક ઘર, વાહનો અને શોપિંગ કોમ્પ્લેકસ સળગાવાયા હતા. કેટલીક જગ્યાએ લૂંટફાટ થયાના અહેવાલ છે. પોલીસે ઉપદ્રવીઓને ડામવા અશ્રુવાયુનો ઉપયોગ કર્યો હતો. પ્રદર્શનકારીઓમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હતી. આરોપ છે કે ટ્રમ્પ પ્રશાસને આઈસીઈને રોજ 3000 ગેરકાયદે પ્રવાસીઓને પકડવાનો લક્ષ્યાંક આપ્યો છે જેને પગલે વ્યાપક દરોડા ચાલી રહયા છે. સ્થાનિક પ્રશાસને  આ કાર્યવાહીને જાણીજોઈને કરાયેલી ઉશ્કેરણી ગણાવી કહયું કે તેનાથી સમાજમાં ભય ઉભો થાય છે અને શહેરની સલામતી જોખમાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd