• મંગળવાર, 10 જૂન, 2025

અબડાસામાં કપાસનાં વાવેતરનો આરંભ

મનોજ સોની દ્વારા : કોઠારા (તા. અબડાસા), તા. 8 : મુખ્યત્વે ખેતી આધારિત આ તાલુકામાં હાલમાં કપાસનું વાવેતર શરૂ થઇ ચૂક્યું છે. આ વિસ્તારના કોઠારા, નલિયા, વાંકુ, વાડાપદ્ધર, સિંધોડી, લાલા, પરજાઉ, સાધવ, ભાચુંડા, રવા, બીટિયારી, ખુઅડા, સાંધાણ, ડુમરા સહિતના ગામોમાં હાલ આ કાર્ય આરંભાયું છે. આમ તો અહીંના ખેડૂતો દ્વારા દર વર્ષે વધુ વાવેતર કરવામાં આવતું હોય છે, પણ ચાલુ વર્ષ દરમ્યાન ગત વર્ષ કરતાં આ વર્ષે 20 ટકા જેટલો વાવેતરમાં ઘટાડો થશે એવું લાગી રહ્યું છે. આ અંગે વાડાપદ્ધર ખેડૂત આગેવાન જયપાલસિંહ જાડેજાએ જણાવ્યું કે, અબડાસામાં ચાલુ સાલે કપાસ વાવેતરમાં ઘટાડો થાય એવી સંભાવના છે, જેનું કારણ છેલ્લા ત્રણ વર્ષથી આ તાલુકામાં ભારે વરસાદ, વાવાઝોડાંના લીધે કપાસના પાકને નુકસાન થતું આવ્યું છે, જેથી ખેડૂતોને ભારે નુકસાની ખમવી પડે છે. તો ખીરસરા (કોઠારા)ના ખેડૂત ચતુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ વર્ષે હાલમાં મજૂરની પણ સમસ્યા સતાવી રહી છે, તો ભાગીદારો પણ મળતા નથી. દાહોદ, ગોધરા, હરિયાણા વગેરેથી આવતા ભાગીદારો પણ મળવા મુશ્કેલ છે. કારણ કે, કપાસમાં પાકના ઓછા ભાવ આવે છે અને વરસાદના લીધે થતી નુકસાની કારણભૂત છે. સાથે વીજળીની સમસ્યા પણ સતાવી રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd