• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

મેલબોર્નમાં મહારથીઓ પાણીમાં; ઓસિને સરસાઈ

મેલબોર્ન, તા.30: બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારત સામે 184 રને જીત મેળવીને ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-1ની અપરાજિત સરસાઇ હાંસલ કરી લીધી છે. ચોથી ટેસ્ટના આજે છેલ્લા દિવસે 340 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ટીમ ઇન્ડિયાનો 79.1 ઓવરમાં 1પપ રનમાં શરમજનક ધબડકો થયો હતો. મેચના છેલ્લ સત્રમાં 20.4 ઓવરમાં 34 રનની અંદર ભારતે 7 વિકેટ ગુમાવી હતી. આથી ઓસ્ટ્રેલિયાનો શાનદાર વિજય થયો હતો. યશસ્વી જયસ્વાલ વિવાદીત રીતે થર્ડ અમ્પાયર દ્વારા આઉટ અપાયો હતો. કપ્તાન રોહિત શર્મા (9) અને સ્ટાર વિરાટ કોહલી (પ)ની નિષ્ફળતા ભારતને ભારે પડી હતી. બીજા દાવમાં ફકત બે જ બેટધર યશસ્વી જયસ્વાલ (84) અને ઋષભ પંત (30)એ ઓસ્ટ્રેલિયન બોલર્સ સામે સંઘર્ષ કર્યો હતો. બાકીના ખેલાડી ડબલ ફીગરમાં પણ પહોંચી શકયા ન હતા. બન્ને દાવમાં 3-3 વિકેટ અને 49 અને 41 રનની મહત્ત્વની ઇનિંગ્સ રમનાર કાંગારૂ કપ્તાન પેટ કમિન્સ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ સિડનીમાં તા. 3 જાન્યુઆરીથી શરૂ થશે. ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં આજે સવારે 234 રને ઓલઆઉટ થઇ હતી. લિયોનને 41 રને બોલ્ડ કરી બુમરાહે તેની પાંચમી વિકેટ લીધી હતી. બોલેંડ 1પ રને નોટઆઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા પાસે 10પ રનની લીડ હતી. આથી ભારતને 340 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. જવાબમાં ભારતની શરૂઆત કંગાળ રહી હતી અને 33 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. કમિન્સે એક ઓવરમાં રોહિત (9) અને રાહુલ (0)ને સ્લીપમાં કેચ આઉટ કરાવી ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત આપી હતી. કોહલી ઓફ સ્ટમ્પ બહારના દડાને ફરી એકવાર છેડછાડ કરવાની ભૂલ કરી સ્ટાર્કના બોલમાં સ્લીપમાં ખ્વાઝાને કેચ આપી પ રને આઉટ થયો હતો. લંચ અને ટી ટાઇમ વચ્ચેના બીજા સેશનમાં યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતે ઓસ્ટ્રેલિયન બોલરો સામે લડાયક બેટિંગ કરી મેચ ડ્રો ભણી ખેંચી રહ્યા હતા. આ બે કલાક દરમિયાન ભારતે એક પણ વિકેટ ગુમાવી ન હતી. પરંતુ ટી ટાઇમ બાદ મેચનો ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો. ચેન્જ બોલર ટ્રેવિસ હેડના લૂઝ બોલમાં છગ્ગો મારવાની લાલચમાં ઋષભ પંત મિડવિકેટ પર માર્શને કેચ આપી આઉટ થયો હતો. પંતે 104 દડામાં 2 ચોગ્ગાથી 30 રન કર્યાં હતા. તેના અને જયસ્વાલ વચ્ચે ચોથી વિકેટમાં 197 દડામાં 88 રનની લડાયક ભાગીદારી થઇ હતી. આ જોડી તૂટયા પછી ભારતે ઉપરાઉપરી બે વિકેટ રવીન્દ્ર જાડેજા (2) અને નીતિશ રેડ્ડી (1)ની ગુમાવી હતી. અધૂરામાં પૂરુ જામી ગયેલો યશસ્વી જયસ્વાલ થર્ડ અમ્પાયરના ખોટા નિર્ણયનો ભોગ બની 208 દડામાં 8 ચોગ્ગા સાથે 84 રને આઉટ જાહેર થયો હતો. સુંદર 4પ દડામાં પ રને નોટઆઉટ રહ્યો હતો. આકાશ, બુમરાહ અને સિરાજ પાસે મેચ બચાવવાનો મોકો ન હતો. મેચની હજુ લગભગ એક કલાક જેવી રમત બાકી હતી ત્યારે ભારતીય ટીમ 79.1 ઓવરમાં 1પપ રને ઓલઆઉટ થઇ હતી. આથી ઓસ્ટ્રેલિયાનો 184 રને વિજય થયો હતો અને પ મેચની શ્રેણીમાં 2-0થી આગળ થયું હતું. કમિન્સ-બોલેંડે 3-3 વિકેટ લીધી હતી. લિયોનને 2 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd