• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ડે-નાઇટ અભ્યાસ મેચ : ટીમ ઇન્ડિયા બેટિંગ સંયોજન નિશ્ચિત કરવા માગશે

કેનબેરા, તા.29 : એડિલેડમાં તા. 6 ડિસેમ્બરથી રમાનાર ડે-નાઇટ ટેસ્ટ પૂર્વે ટીમ ઇન્ડિયા શનિવારથી ઓસિ. વડાપ્રધાન ઇલેવન વિરુદ્ધ પિન્ક બોલથી બે દિવસીય અભ્યાસ મેચ રમશે. આ મેચ દ્વારા રોહિત શર્માની ટીમ બેટિંગ સંયોજન નિશ્ચિત કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે. ભારતે અત્યાર સુધી ચાર દિવસ-રાત્રીના ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી એકમાત્ર પરાજય ચાર વર્ષ અગાઉ એડિલેડમાં મળ્યો હતો ત્યારે વિરાટ કોહલીની ટીમ બીજા દાવમાં 36 રનમાં ઢેર થઇ હતી. જો કે એ પછી ભારતે વાપસી કરીને 4 મેચની શ્રેણી 2-1થી જીતી હતી. ગુલાબી દડાથી સૂર્યાસ્તના સમયે રમવું પડકારરૂપ હોય છે. અભ્યાસ મેચને પ્રથમ શ્રેણીનો દરજ્જો મળ્યો નથી. આથી ભારતના મોટાભાગના બેટરો બેટિંગ પ્રેક્ટિસ માટે ઉતરશે. કપ્તાન રોહિત શર્મા અને શુભમન ગિલની બીજી ટેસ્ટમાં વાપસી નિશ્ચિત સમાન છે. આ બન્ને ખેલાડી માટે અભ્યાસ મેચ મહત્ત્વનો બની રહેશે. અભ્યાસ મેચમાં ભારત સરફરાજ ખાનને પણ વધુ મોકો આપવા માંગશે. ઇજામાંથી બહાર આવી ગિલે સારી નેટ પ્રેક્ટિસ કરી છે. હરીફ ટીમ વડાપ્રધાન ઇલેવનનો કેપ્ટન જેક એડવર્ડ છે. ટીમમાં અન્ડર-19 સ્ટાર ચાર્લી એન્ડરસન, માહલી બીયર્ડમેન, એડેન ઓકોનોર અને સેમ કોંસ્ટાસ છે. મેથ્યૂ રેનશો અને સ્કોટ બોલેંડ જેવા અનુભવી ખેલાડી પણ છે. આ ડે-નાઇટ પ્રેક્ટિસ મેચ ભારત સમય અનુસાર સવારે 9-10થી શરૂ થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang