ડરબન, તા.પ : ઘર આંગણે પણ ન્યુઝીલેન્ડ સામે 0-3થી શરમજનક સફાયો
સહન કર્યા બાદ ટીમ ઇન્ડિયા દ. આફ્રિકા પહોંચી છે. જ્યાં સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં
ટીમ ઇન્ડિયા 8 નવેમ્બર-શુક્રવારથી ચાર મેચની ટી-20 સિરીઝ રમશે. આ શ્રેણીમાં ન્યુઝીલેન્ડ
વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીનો હિસ્સો રહેલા એક પણ ખેલાડી સામેલ નથી, કારણ કે રોહિત શર્માની
આ પરાજિત ટીમ હવે ઓસ્ટ્રેલિયા પાંચ ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવા જઈ રહી
છે. જે ટીમ ઇન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની સ્થિતિ નિશ્ચિત કરશે. ભારત
અને આફ્રિકા વચ્ચે પહેલી ટી-20 મેચ 8મીએ ડરબનમાં રમાશે. જે ભારતીય સમય અનુસાર રાત્રે
8-30થી શરૂ થશે. બીજી મેચ ગકબેર્હામાં સાંજે 7-30થી રમાશે. અંતિમ બે મેચ સેન્ચૂરિયન
અને જોહાનિસબર્ગ ખાતે રમાશે અને રાત્રે 8-30થી શરૂ થશે. બન્ને દેશની ટીમ જાહેર થઇ ચૂકી
છે. ભારતીય ટીમનું સુકાન સૂર્યકુમાર યાદવ અને દ. આફ્રિકા ટીમનું સુકાન એડન માર્કરમ
સંભાળશે.