અંજાર, તા. 11 : અહીંના નાગર મંડળના ઉપક્રમે રાજ્યકક્ષાની સીઝન
બોલ નાગર સુપર લીગ-2024 ક્રિકેટ ટૂર્નામેન્ટ
યોજાઈ હતી. ફાઈનલ મેચમાં જૂનાગઢ અને ગાંધીનગર
ટીમ વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી, જેમાં ગાંધીનગરની
ટીમ ચેમ્પિયન બની હતી. ફાઈનલ મેચમાં પ્રથમ
જૂનાગઢ લાયન્સ ટીમે ટોસ જીતી 15 ઓવરમાં 58 રન કર્યા હતા. આ લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને ઊતરેલી
ગાંધીનગરની ટીમ આઠ ઓવરમાં રન બનાવી વિજેતા
બની હતી. ઈનામ વિતરણ સમારંભમાં ઉપસ્થિત પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે
તમામ ખેલાડીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, હાર અને જીત એ રમતનો ભાગ છે,
તેનો સ્વીકાર કરવો જોઈએ, રમત ભાવનાથી જીવનમાં અનેકગણુ શીખવા મળે છે. પૂર્વ ક્રિકેટર અને ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરુણભાઈ વછરાજાનીએ અંજાર નાગર જ્ઞાતિ દ્વારા પ્રથમ વખત સીઝન બોલ ક્રિકેટ
ટૂર્નામેન્ટના આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી. ગાંધીધામ સી.એ. વિદ્યુતભાઈ બૂચ અને હર્ષેન્દુભાઈ વૈદ્યે પ્રાસંગિક ઉદ્બોધનમાં ભવિષ્યમાં ગાંધીધામમાં પણ આ જ પ્રકારે આયોજન કરવાની
નેમ વ્યક્ત કરી હતી. ફોકીઆના એમ.ડી નિમિષભાઈ ફડકેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
કાર્યક્રમમાં ત્રિકમભાઈ આહીર, ડો. નવઘણ આહીર, જ્ઞાતિના ટ્રસ્ટી ડો. વિનુભાઈ ધોળકિયા,
જ્ઞાતિ અગ્રણી વરિષ્ઠ ધારાશાત્રી નિખિલભાઈ
છાયા, દિનેશભાઈ છાયા તથા ભરતભાઈ છાયા, પ્રકાશભાઈ બૂચ, મુકેશભાઈ ધોળકિયા, ડો. રસનિધિ છાયા, ભુવનેશ છાયા, મહિલા મંડળના
પ્રમુખ દેવીબેન વૈષ્ણવ સહિતના હાજર રહ્યા હતા. આયોજનમાં વિવિધ પ્રકારે સહકાર આપનારા દાતાઓ પ્રત્યે મંડળ દ્વારા આભારની
લાગણી વ્યક્ત કરાઈ હતી. આ તકે ઉપસ્થિત મહેમાનોના
હસ્તે જૂની શ્રેણીના વિજેતાઓને ઈનામ આપી સન્માનિત
કરાયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે
નાગર મંડળના પ્રમુખ પિનાકીનભાઈ વૈષ્ણવના માર્ગદર્શન તળે ટૂર્નામેન્ટ આયોજક સમિતિના
તર્ક છાયા, કલ્પ છાયા વિગેરેએ સહકાર આપ્યો હતો.