• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

પ્રવાસી ઇંગ્લેન્ડ સામે પાક.ની હાર

મુલતાન, તા. 11 : હોમ પીચ પર પાકિસ્તાનની વધુ એક શરમજનક ટેસ્ટ હાર થઇ છે. પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો એક દાવ અને 47 રને યાદગાર વિજય થયો છે. આ સાથે જ પહેલા દાવમાં પ00થી વધુ રન કર્યા પછી ઇનિંગ્સથી હારનાર પાકિસ્તાન ટીમ ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની પહેલી ટીમ બની છે. મેચના આજે પાંચમા અને અંતિમ દિવસે પાક. ટીમના બીજા દાવનો વાવટો 220 રનમાં સંકેલાઇ ગયો હતો. આથી ત્રણ મેચની શ્રેણીમાં પ્રવાસી ઇંગ્લેન્ડ ટીમે 1-0ની સરસાઇ બનાવી લીધી છે. ઘરઆંગણે પાછલી 11 મેચમાં પાકિસ્તાનની આ સાતમી હાર છે. જ્યારે ચાર મેચ ડ્રો રહી છે. આ દરમિયાન એક પણ જીત નસીબ થઇ નથી. પહેલા દાવમાં 317 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ્સ રમનાર ઇંગ્લેન્ડનો યુવા બેટર હેરી બ્રુક પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. બ્રુકે સિનિયર બેટસમેન જો રૂટ સાથે મળીને ચોથી વિકેટમાં વિશ્વ વિક્રમી 4પ4 રનનો ઉમેરો કર્યો હતો. રૂટે 262 રનની ઇનિંગ્સ રમી હતી. આથી ઇંગ્લેન્ડે તેનો પહેલો દાવ સાત વિકેટે વિક્રમી 823 રને ડિકલેર કર્યો હતો. પાક.ના પ્રથમ દાવમાં પપ6 રન થયા હતા. બીજા દાવમાં ટોચના બેટધરોની નિષ્ફળતા વચ્ચે પાકિસ્તાન તરફથી ડીપ મિડલઓર્ડરના બે બેટર સલમાન અલી આગા અને અમીર જમાલે ઇંગ્લેન્ડના બોલરો સામે સંઘર્ષ કર્યો હતો. આગાએ 63 રન કર્યા હતા, જ્યારે જમાલ પપ રને નોટઆઉટ રહ્યો હતો. પાક. ટીમે આજે સવારે છ વિકેટે 1પ2 રનથી તેનો દાવ આગળ વધાર્યો હતો અને વધુ 68 રનના ઉમેરોમાં બાકીની ચાર વિકેટ ગુમાવીને 220 રને પાક. ટીમ ઓલઆઉટ થઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી અનુભવી સ્પિનર જેક લીચે ચાર વિકેટ લીધી હતી. એટકિન્સન અને કાર્સને 2-2 વિકેટ મળી હતી. બન્ને ટીમ વચ્ચે બીજી ટેસ્ટ મેચ મંગળવારથી મુલતાનમાં જ શરૂ થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang