• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

ક્લીનસ્વીપના ઇરાદે ઊતરશે ટીમ ઇન્ડિયા : આજે ત્રીજી ટી-20

હૈદરાબાદ, તા. 11 : શરૂઆતની બે મેચમાં આસાન જીત મેળવી શ્રેણી પહેલેથી જ પોતાને નામ કરી ચૂકેલ ભારતીય ટીમ શનિવારે અહીં રમાનાર બાંગલાદેશ વિરુદ્ધ ત્રીજી અને આખરી ટી-20 મેચમાં ક્લીનસ્વીપના મક્કમ ઇરાદે ઊતરાશે. આ મેચમાં ભારતની ઓપનિંગ જોડી પર ફરી નજર રહેશે. ભારતે તેના કેટલાક મુખ્ય ખેલાડીઓને વિશ્રામ આપીને શ્રેણીમાં યુવા ખેલાડીઓને તક આપી છે. આ યુવા ખેલાડીઓને શાનદાર દેખાવ કર્યો છે અને કોચ ગૌતમ ગંભીરની રણનીતિનો ચુસ્ત અમલ કર્યો છે. બીજી તરફ પાડોશી દેશની ટીમ ભારતના પ્રવાસનો અંત પ્રોત્સાહક જીત સાથે કરવા માગશે. જો કે તેના માટે આ કામ ઘણું કઠિન છે. આ માટે નઝમૂલ હસન શાંતોની ટીમ ત્રણેય મોરચે સર્વશ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણી આક્રમક અંદાજમાં 2-0થી જીતી હતી અને ત્રણ મેચની ટી-20 શ્રેણી 3-0થી જીતવા કોઇ કચાશ રાખશે નહીં. આવતા વર્ષે રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફી વન ડે ટૂર્નામેન્ટને ધ્યાને રાખીને ભારતીય ટીમ મેનેજમેન્ટ કેટલાક વિકલ્પો અજમાવી રહી છે. તે પછી મયંક યાદવ હોય કે વરુણ ચક્રવર્તી હોય. આ ખેલાડીઓએ હજુ સુધી કોચ ગંભીરને નિરાશ નથી કર્યા. ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીના દેખાવ પર પણ નજર રહેશે. તેણે બીજા મેચમાં શાનદાર દેખાવ કરીને 34 દડામાં 74 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી અને 2 વિકેટ લીધી હતી. આ પ્રકારના સકારાત્મક મુદ્દાઓ વચ્ચે ઓપનિંગ જોડી સંજૂ સેમસન અને અભિષેક શર્માનું પ્રદર્શન ટીમ માટે ચિંતાનો વિષય છે. અનુભવી વિકેટકીપર સંજૂ સેમસન તકનો ફાયદો ઉઠાવી શકયો નથી. બન્ને મેચમાં તેનો દેખાવ સારો રહ્યો નથી. આથી જિતેશ શર્માને વિકેટકીપર-બેટર તરીકે મોકો મળી શકે છે. અભિષેક શર્માએ 1પ અને 16 રનની ઇનિંગ્સ રમી છે. તેણે મોટી ઇનિંગ્સ રમવી પડશે. ટીમ મેનેજમેન્ટ રવિ બિશ્નોઇ અને હર્ષિત રાણાને પણ તક આપી શકે છે. જો રાણાને તક મળશે તો તે તેનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ હશે. બાંગલાદેશની સૌથી મોટી ચિંતા તેના બેટધરોના નિરાશાજનક દેખાવની છે. વર્તમાન પ્રવાસમાં તેમણે જો એકમાત્ર જીત હાંસલ કરવી હશે તો કપ્તાન નઝમૂલ હસન શાંતો અને લિટન દાસ સહિતના સિનિયર બેટધરોએ સારો દેખાવ કરવો પડશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang