• શનિવાર, 27 જુલાઈ, 2024

ખેલ મહાકુંભ : રમતોથી ગાજ્યું માધાપર

માધાપર, તા. 12 : રાજ્ય સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન અહીંની એમ.એસ.વી. હાઈસ્કૂલ ખાતે કરાયું હતું, જેમાં વિજેતાઓને રોકડ ઈનામથી પુરસ્કૃત કરાયા હતા, તો પહેલા-બીજા ક્રમે રહેલા ખેલાડીઓ કચ્છનું પ્રતિનિધિત્વ કરવા રાજ્યકક્ષાએ રમવા જશે. ઉદ્ઘાટન વેળાએ શાળા સમિતિના પ્રમુખ અરજણભાઈ ભુડિયા, જ્ઞાતિમંડળના પ્રમુખ જયંતભાઈ માધાપરિયા, સમાજરત્ન વિનોદભાઈ સોલંકી, જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી જ્યોતિબેને ખેલાડીઓને ખેલદીલીની ભાવના વિકસાવવા પ્રોત્સાહિત કર્યા હતા.  અરજણભાઈએ ખેલભાવનાથી રમવા અને શારીરિક સશક્ત રહેવા શીખ આપવા સાથે શાળા, ગામ, સમાજ અને કચ્છનું નામ રોશન કરવા શુભકામના આપી હતી, તો 3000 મીટર દોડને શ્રી સોલંકીએ સ્ટાર્ટ આપી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી. સ્પર્ધામાં અંડર 9-11-14-17માં તાલુકા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓ ઉપરાંત ખુલ્લા વિભાગમાં અંડર 9-11-14માં 400 જેટલા ખેલાડી, અંડર 17માં 220 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. કુલ 26 જેટલી રમતો આવરી લેવાઈ હતી, જેમાં અંડર-9માં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ 30 મીટર દોડ, અંડર-11માં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ 50 મીટર દોડ, અંડર-14માં 100, 200, 400, 600 મીટર દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા-ચક્ર ફેંક, અંડર-17 (ઓપન)માં 100, 200, 400, 800 અને 1500 મીટર દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, લંગડી ફાડા કૂદ, ગોળા-ચક્ર-બરછી ફેંક સહિત યોજાઈ હતી. મહેમાનોનું સ્વાગત દિનેશભાઈ દેસાઈએ કર્યું હતું. નિરોણા શાળાના આચાર્ય વી.એમ. ચૌદરી હાજર રહ્યા હતા. ખેલાડીઓ, કોચ માટે નાસ્તાની વ્યવસ્થા શ્રી સોલંકી દ્વારા કરાઈ હતી. રેફરી તરીકે દિનેશભાઈ, કિશન બિજલાણી, પ્રકાશભાઈ, રશ્મિબેન, મેગી ખેંગાર, અજય વીરડા, ભરત મહેશ્વરીએ સેવા આપી હતી. મેદાનની વ્યવસ્થા આર.ડી. ઝાલા, ડી.એલ. ડાકીએ સંભાળી હતી. માધાપર લોકલ બોર્ડ તરફથી સ્થળ પર એમ્બ્યુલન્સ તથા ડોક્ટર સહિતના સ્ટાફની વ્યવસ્થા રખાઈ હતી, જ્યારે પાણીની સગવડ અમૃતજલ દ્વારા અપાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સંચાલન શ્રી ડાકીએ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang