ભુજ, તા. 12 : તાલુકાના કનૈયાબે ગામે જાન્યુઆરી-2022માં બનેલા રફીક ઉર્ફે રફકીશા
કાસમશા શેખડાડા નામના યુવાનની ફિલ્મી ઢબે હત્યા
થવાના ચર્ચાસ્પદ કિસ્સામાં અધિક જિલ્લા અદાલતે તમામ ચાર આરોપીને શંકાનો લાભ આપવા સાથે
નિર્દોષ મુક્ત કર્યા હતા. ફરિયાદ પક્ષ તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાના તારણ
સાથે આ ચુકાદો અપાયો હતો. જાન્યુઆરી-2022માં મધ્યરાત્રે કનૈયાબે ગામના મુખ્ય હાઈવે ઉપર બસસ્ટેન્ડ પાસે
વાહનમાં આવી ફિલ્મી ઢબે ઘાતક હથિયારો સાથે હત્યા અને હુમલાનો આ કિસ્સો બન્યો હતો. આ
ચર્ચાસ્પદ કેસમાં અત્રેના અધિક સેશન્સ જજ એન. પી. રાડિયાએ તમામ ચાર આરોપી કનૈયાબે ગામના
મોહમદ ઉર્ફે મોહમદહુસેન ઉર્ફે પંપમ, અલ્તાફશા ઈશબશા શેખ (તાજવાણી), મામદહુસેન રહીમશા શેખ
(તાજવાણી) અને ઈશબશા હાજીજમનશા શેખ (તાજવાણી)ને શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ
કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન, અદાલતે 31 મૌખિક અને દસ્તાવેજી પુરાવા
તપાસ્યા હતા. બંને પક્ષની દલીલો સાંભળી ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો કેસ સાબિત કરવામાં
નિષ્ફળ રહ્યાના તારણ સાથે આ ચુકાદો અપાયો હતો. કેસની સુનાવણીમાં આરોપી વતી વકીલ તરીકે
અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી હેમસિંહ સી. ચૌધરી અને આર. એસ. ગઢવી સાથે વી.જી. ચૌધરી, શિવમ બી. સોલંકી, વિશ્વા
એન. પરમાર અને દીપક ઉકાણી હાજર રહ્યા હતા.