• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

વિષમ વાતાવરણ વાગડમાં જીરાના પાક માટે ખતરાની ઘંટડી

ઘનશ્યામ મજીઠિયા દ્વારા : રાપર, તા. 12 : નર્મદા કેનાલના આગમનથી ખેતી ક્ષેત્રે વાગડનો ખેડૂત બે પાંદડે થયો છે. જ્યાં વરસાદ સારો પડે તો એકાદ્દ પાક માંડ લઈ શકાતો. વાગડનો કિસાન વર્ષના ત્રણ પાક લેતો થયો છે. સુકા વાતાવરણના કારણે વાગડમાં મસાલાની ખેતી  વ્યાપક પ્રમાણમાં થાય છે અને આખા કચ્છ જેટલું વાવેતર  એકલા વાગડ વિસ્તારમાં થાય છે. આ પરિસ્થિતિ વચ્ચે વાગડમાં મોસમના બદલેલા મિજાજના કારણે જીરા સહિતના પાકમાં ભારે નુકશાની થઈ હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. બદલેલા હવામાનના કારણે સર્જાયેલી પરિસ્થિતિથી ધરતીપુત્રોના ચહેરા ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. સચરાચર વરસાદ અને કેનાલ દ્વારા સિંચાઈનું પૂરતું પાણી મળતાં વાગડે જીરુના પાકમાં કાઠું કાઢ્યું છે. કચ્છ આખામાં વાગડ અને રાપર તાલુકામાં સૌથી વધુ જીરુ અને ઈસબગુલનું વાવેતર આશરે 43000 હેક્ટરમાં કરવામાં આવ્યું હતું. મોંઘા ભાવનું બિયારણ ખરીદી ખેડૂતોએ જીરુ ઈસબગુલનું વાવેતર કર્યું હતું. ખાતર પાણી પૂરતાં પ્રમાણમાં મળી રહેતાં જગતના તાતને જીરુમાં પૂરતા વળતરની આશા હતી, પરંતુ વિષમ વાતાવરણ, ઝાકળ અને અતિશય ઠંડી અને અચાનક શરૂ થયેલી ગરમીથી જીરુ ઈસબગુલ અને રાયડા જેવા પાકોમાં કાળિયો, ઉતરક(સુકારો) જેવા રોગે દેખા દેતાં ખેડૂતના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જવા જેવો તાલ સર્જાયો છે. સૌથી મોટો સીમાડો ધરાવતાં ગેડી, જીરુના કોઠાર સમા પ્રાંથળ-ખડીર અને રામવાવ, ચોબારી પંથકમાં આ રોગચાળાને લીધે 60થી 70 ટકા પાકોમાં નુકસાન થયું હોવાનું રાપર તાલુકા ભાજપ પ્રમુખ અને કિસાન નશાભાઈ દૈયાએ જણાવ્યું હતું. આ નુકસાનનો સર્વે કરાવી ખેડૂતોને નુક્સાનનું વળતર આપવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી. આ વખતે વધુ પડતી ઝાકળ, માવઠું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણમાં ભેજ તથા વધુ પડતી ઠંડી - ગરમીના લીધે જીરુના પાકમાં અનુકૂળ વાતાવરણ ન મળવાથી આ રોગચાળો આવ્યો હોવાનું વાગડના ખેડૂતો જણાવી રહ્યા છે. ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી ભરત શ્રીમાળીનો સંપર્ક કરતાં તેમણે આ વાતાવરણના બદલાવની પુષ્ટિ કરી હતી. નીલપરના સજીવ ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત ખીમજીભાઈ મેણાતે જણાવ્યું હતું કે તેમણે કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર જીવામૃતથી જીરુની ખેતી કરતાં હોવાથી અને પાછોતરું વાવેતર કર્યું હોવાથી પાકમાં કોઈ રોગ ન આવ્યો હોવાનું જણાવ્યું હતું. ખીમજીભાઈના મતે વધુ પડતું પાણી આપવામાં આવે તો પણ જીરુમાં નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું. શિયાળા દરમિયાન વાગડમાં સૂકાં રહેતાં વાતાવરણથી વિપરીત આ વખતનું વાતાવરણ જીરુ જેવા પાક માટે ખતરાની ઘંટડી સમાન ગણાવી રહ્યા છે.  

Panchang

dd