નખત્રાણા, તા. 12 : તાલુકાના દેશલપર (ગું.) ફાટકથી
હાજીપીર રોડનું ચાલતું કામ મજબૂતીકરણ અને ટકાઉ થાય તે માટે આ માર્ગમાં ચાલતા ભારે માલવાહક
વાહનોને ડાયવર્ટ કરી અન્ય માર્ગે ચલાવવા જિલ્લા સમાહર્તા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં
આવ્યું હતું તે યોગ્ય હતું, પણ આ માર્ગ
ઉપર વાહન ચલાવવાને બદલે હાજીપીર રોડથી જખૌ અને સણોસરા થઇ જવા માટેનું જાહેરનામું બહાર
પડવાથી ટ્રકમાલિકોને મોટું નુકસાન થવાના કારણે પશ્ચિમ કચ્છ ટ્રક ઓ. એસોસિયેશનની તાકીદે
બોલાવાયેલી બેઠકમાં હાજીપીરથી લાખાપર રસ્તો યોગ્ય હોઇ જૂનાં જાહેરનામા મુજબ રૂટ પર
ટ્રકો ચલાવવા મંજૂરી મળે તેવી માંગ કરવામાં આવી હતી. આવું નહીં કરવામાં આવે તો ટ્રક
માલિક, ડ્રાઇવરો દ્વારા લોકશાહી રીતે ચક્કાજામ આંદોલન કરવામાં
આવશે, તેવું બેઠકમાં જણાવાયું હતું. સંગઠનના પ્રમુખ અર્જુનસિંહ
પી. જાડેજાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કલેક્ટરનાં નવાં જાહેરનામાના કારણે આ ઉદ્યોગ
ઉપર નભતા 35 હજાર જેટલા
પરિવારની રોજીરોટી ઉપર ગંભીર અસર થશે. રસ્તા પર ચાલતી ગાડીઓ સરકારને પૂરો ટેક્સ ચૂકવે
છે, જેથી ટ્રકમાલિકોનું હિત સચવાય તે માટે તંત્રને
ન્યાય આપવો જોઇએ, તેવો સૂર બેઠકમાં વ્યક્ત કરતાં ટ્રકમાલિકોએ
જૂનું જાહેરનામું યોગ્ય છે અને એ જ રૂટ પર ગાડીઓ ચાલુ રાખવામાં આવે એવી માંગ કરાઇ હતી.
અધ્યક્ષસ્થાનેથી શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, હાલે જે જાહેરનામું
બહાર પાડવામાં આવ્યું છે, તેના કારણે ભારે મુશ્કેલી પડશે. કારણ
કે, જખૌનાં લોડિંગ માટે ખાવડા, નિરોણા,
મોટી વિરાણી ફાટક થઇ બેરૂ, મોસુણા, સણોસરા, કોઠારા સુધીનો રૂટ બહુ લાંબો થાય છે તેમજ સણોસર
માટે ખાવડાથી ભુજ, દેશલપર, મંગવાણા સણોસરા
ડબલ ફેરો થશે, માટે અગાઉનું જાહેરનામું યોગ્ય હતું તે મુજબ ચાલવું
જોઇએ. બેઠકમાં જૂના રૂટ મુજબ ગાડીઓ ચલાવવા માટે કોઇ પણ સમસ્યા સર્જાય નહીં તથા ગ્રામજનોને
કંઇ નુકસાન થાય તેવું પણ નહીં થવા દેવાય તેવી ખાતરી અપાઇ હતી. બેઠકમાં મહામંત્રી ભાવેશગિરિ
ગોસ્વામી, જિલ્લા સંગઠનના ખેંગારભાઇ રબારી, નરસિંહભાઇ વાઘેલા, ચાંદુભા જાડેજા, રઘુભા ચુડાસમા સહિત ટ્રક માલિકો ઉપસ્થિત રહ્યા હતા. રસ્તા સમસ્યા સંદર્ભે ઉકેલ
માટે કંપનીના જવાબદારો સાથે ચર્ચા ચાલી રહી છે તેવું જણાવાયું હતું. હાલમાં 700 જેટલાં વાહન પરિવહનમાં ચાલી
રહ્યાં છે, તેના પર ફાઇનાન્સ લોન લીધેલી
હોવાથી જો કામકાજ બંધ થશે, તો વિદેશી હૂંડિયામણ પણ ઘટશે તેમજ
નોકરિયાતો પણ બેરોજગાર થશે તેવું જણાવાયું હતું. લાખાપરથી ઝારા, દયાપર અને નરા ફાટકથી નરા ગામ દયાપર રૂટ ચાલુ કરવા અંગે આવેદનપત્ર આપી રજૂઆત
કરાઇ હતી. લોડિંગ ગાડીઓ નરા ફાટકથી નરા ગામ તેમજ ખાલી ગાડી લાખાપર-ઘડુલીથી દયાપર રૂટ
પરથી થાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરાઇ હતી. જરૂર પડે અનુકૂળતા મુજબ એકાદ કલાક પરિવહન
બંધ રાખવાની તૈયારી સાથે ગાડી માલિક અને ડ્રાઇવરો નૈતિક ફરજ સમજી ગાડી ધીમી ચલાવશે
તેવી બાંહેધરી અપાઇ હતી.