રાપર, તા. 12 : રાપરમાં સરકારી વસાહત સ્થિત
પીએમ વિકાસવાડી પ્રાથમિક શાળા નંબર -2 માં વિદ્યાર્થીઓ માટે સરસ મજાનું નવું મકાન છે પણ સોનાની થાળીમાં
લોઢાની મેખની જેમ રમતગમત માટે કે વૃક્ષારોપણ માટે રમતગમતનું મેદાન જ નથી. જેથી બાળકોનો
શારીરિક વિકાસ રૂંધાય છે. દરેક શાળામાં ફરજિયાત એવા ક્રીડાંગણ માટે બાજુમાં જ સરકારી
પડતર જમીન આવેલી છે. જે શાળા દ્વારા વર્ષોથી માંગવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા
ચલક ચલાણાની નીતિ અપનાવી મેદાન માટે જમીન આપવામાં આવી રહી ન હોવાનું જાણવા મળ્યું હતું.
આ શાળાની બાજુમાં જ ભૂકંપ પહેલાં કર્મચારીઓ માટેના રહેણાંકની બહુમાળી ઈમારત હતી, જે 2001ના ભૂકંપમાં જર્જરિત બનતાં તોડી પાડવામાં આવી હતી. બાદમાં આ
પડતર જમીન પર ન્યાયાલયના કર્મચારીઓ માટે ક્વાર્ટર બનાવવા માંગવામાં આવી હતી. ન્યાયાલયના
કર્મચારીઓના ક્વાર્ટર માટે તાલુકા પંચાયત હસ્તકની બાજુમાં આવેલી અન્ય જગ્યા ફાળવી હતી.
આ જગ્યા વિકાસવાડી શાળાને આપવા માટે તાલુકા પંચાયત દ્વારા તા. 23-11-2021 ના રોજ સામાન્ય સભામાં ઠરાવ
કરી માર્ગ અને મકાન વિભાગને મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તત્કાલીન તાલુકા પંચાયતના
પ્રમુખ હમીરજી સોઢા દ્વારા માર્ગ અને મકાન વિભાગને પણ પત્ર લખી આ જગ્યા શાળાને રમતગમતનું
મેદાન બનાવવા માટે આપવા રજૂઆત કરવામાં આવી હતી
તો ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ 18-4-2023 ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ અંગે પત્ર લખી માગણી કરી
હતી, પરંતુ આજે વર્ષો વીતવા છતાં ન તો ક્વાર્ટર બન્યા
કે ન શાળાને રમતગમતનું મેદાન મળ્યું! આ શાળામાં 481 જેટલાં બાળકો અભ્યાસ કરે છે.
શાળા પરિસર આટલી સંખ્યા પ્રમાણે નાનું પડતું હોવાનું શાળાના આચાર્ય ઉમેશભાઈ વણકરે જણાવી
જો આ જગ્યા મળી જાય તો વિદ્યાર્થીઓ મોકળાશથી રમી શકે તેમ કહ્યું હતું. કચ્છના જિલ્લા
સમાહર્તા રાપરની રૂબરૂ મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે આ બાબતે યોગ્ય કરે તેવી માંગ
રાપર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી.