• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

કચ્છ ફરવા આવેલા યુવાનના 45 હજારના કેમેરાની તસ્કરી

ગાંધીધામ, તા. 12 : મહારાષ્ટ્રના પૂણેથી કચ્છમાં ફરવા આવેલો યુવાન ભુજ સ્થિત સ્મૃતિવન નિહાળવા ગયો હતો, ત્યારે વાહનની ડેકીમાંથી તસ્કરોએ રૂા. 45,000ના કેમેરાની તસ્કરી કરી હતી. સતત ધમધમતા વિસ્તારમાંથી ચોરીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. મહારાષ્ટ્રના પૂણેમાં રહેનાર સોફ્ટવેર ઇજનેર હંસરાજ ઉમેશ સહાની ગત તા. 25/1થી 30/1 દરમ્યાન પોતાની મિત્ર શ્રેયા ચૌવલે સાથે ફરવા કચ્છ આવ્યો હતો. આ બંને મિત્રો તા. 25/1ના ભુજ હતા અને છઠ્ઠીબારી રિંગરોડ પાસે મોડર્ન ઓટોમાંથી એક્ટિવા નંબર જી.જે. 12 ઇ.કે.-1637વાળી ફરવા માટે ભાડેથી લીધી હતી અને બંને સ્મૃતિવન ફરવા ગયા હતા. સ્મૃતિવનના પ્રવેશ ગેટ પાસે રોડની બાજુએ વોક-વે પર એક્ટિવા મૂકી બંને અંદર ગયા  બાદ બે કલાક પછી પરત આવ્યા હતા ત્યારે એક્ટિવાની ડેકી ખૂલી જણાઇ હતી. ફરિયાદી યુવાને કચ્છની યાદો કચકડે કંડારવા રૂા. 45,000નો કેમેરો એક્ટિવાની ડેકીમાં મૂકી રાખ્યો હતો, જે એક્ટિવાની ડેકી ગમે તે રીતે તસ્કરોએ ખોલી તેમાંથી આ કેમેરાની ચોરી કરી હતી. બંને મિત્રો સફેદ રણ, માંડવી વગેરે ફર્યા બાદ પૂણે ગયા હતા અને પાછળથી યુવાન પરત આવી તેણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સતત ધમધમતા એવા આ વિસ્તારમાં ચોરીના બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. 

Panchang

dd