• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

નામીબિયા સામે હાર્દિક જીત ; ભારત સુપર એઇટ ભણી

નવી દિલ્હી, તા. 12 : પહેલા ઇશાન કિશન-હાર્દિક પંડયાની આતશી અર્ધસદી અને બાદમાં બોલરોના સહિયારા પુરૂર્ષાથથી  નામીબિયા સામેની મેચમાં ભારતનો 93 રને શાનદાર વિજય થયો હતો. ભારતના 9 વિકેટે 209 રનના જવાબમાં નામીબિયા ટીમ 18.2 ઓવરમાં 116 રને ઓલઆઉટ થઇ હતી. ભારત તરફથી વરૂણ ચક્રવર્તીએ 3 વિકેટ લીધી હતી. અક્ષર-હાર્દિકને 2-2 વિકેટ મળી હતી. ગ્રુપ એમાં બે મેચમાં બે જીત અને સારી નેટ રન રેટથી ટીમ ઇન્ડિયા ટોચ પર છે અને સુપર-8 રાઉન્ડ ભણી આગળ વધ્યું છે. ભારતીય ટીમ હવે રવિવારે કોલંબોમાં પાકિસ્તાન સામે હાઇ વોલ્ટેજ મેચ રમશે. નામીબિયા તરફથી લોરેન સ્ટીનકેપના 29 અને યાન ફ્રાયલિંકના 22 રન મુખ્ય હતા. અગાઉ નામીબિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ આપ્યું હતું. ભારતે ઇશાન કિશનની પ છગ્ગાથી અને પ્લેયર ઓફ ધ મેચ હાર્દિક પંડયાની 4 છગ્ગાથી આતશી અર્ધસદીની મદદથી 20 ઓવરમાં 9 વિકેટે 209 રનનો સ્કોર બનાવ્યો હતો. પ્રારંભે નામીબિયાના બોલર્સની ધોલાઇ કરીને સટાસટી કરીને ભારતે પાવર પ્લેમાં 1 વિકેટે 86 રન કર્યાં હતા. જો કે અંતમાં ભારતીય ટીમનો નાટકિય ધબડકો થયો હતો અને આખરી 10 દડામાં પ વિકેટ ગુમાવી હતી. જેમાં બે રન આઉટ થયા હતા. અનફિટ અભિષેક શર્માના સ્થાને સામેલ સંજૂ સેમસને 8 દડામાં 1 ચોગ્ગા અને 3 છગ્ગાથી 22 રનની ઝડપી ઇનિંગ રમી હતી. તે ફરી એકવાર ખરાબ ફટકો મારીને આઉટ થયો હતો. આ પછી ઇશાન કિશને પાવર હિટિંગ કરીને ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. તેણે 20 દડામાં જ અર્ધસદી કરી હતી. તે 24 દડામાં 6 ચોગ્ગા અને પ છગ્ગાથી ધૂંઆધાર 61 રન કરી આઉટ થયો હતો. તેના અને તિલક વર્મા (2પ) વચ્ચે બીજી વિકેટમાં 31 દડામાં 79 રનની ભાગીદારી થઇ હતી. ઇશાને જેજે સ્મિટ ઓવરમાં 4 દડામાં 4 સિક્સર ફટકારી હતી. કપ્તાન સૂર્યકુમાર 12 રન જ કરી શકયો હતો. મિડલ ઓવર્સમાં હાર્દિક પંડયા અને શિવમ દૂબે નામીબિયાના બોલર્સ સામે તૂટી પડયા હતા. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટમાં 39 દડામાં 81 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. હાર્દિક 28 દડામાં 4 ચોગ્ગા-4 છગ્ગાથી બાવન રને આઉટ થયો હતો. શિવમ દૂબે 23 રન કરી રન આઉટ થયો હતો. રિંકુ સિંહ 1, અક્ષર પટેલ ઝીરોમાં પાછલા ફર્યાં હતા. ઇનિંગ્સના અંતિમ દડે અર્શદીપ (2) રન આઉટ થયો હતો. આમ છતાં ભારતના 20 ઓવરમાં 9 વિકેટે 209 રન થયા હતા. નામીબિયા તરફથી સ્પિનર જેરાર્ડ ઇરાસમસે 20 રનમાં 4 વિકેટ લીધી હતી. 

Panchang

dd