• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

વાડાસરના વિકાસમાં બિનનિવાસી ગામાઇઓનો સાથ

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 12 : સામત્રાથી પશ્ચિમે 10 કિ.મી., રામપરથી ઉત્તરે 7 કિ.મી. અંતરે આવેલું પટેલ ચોવીસીનું વાડાસર ગામ મીઠી વાડીઓ, કૃષિ પ્રવૃત્તિઓથી ફોર્યું છે. ભૂપૃષ્ઠની રીતે ભલે તે ચોવીસીનું દૂરવર્તી ગામ છે, પણ તેનો વિકાસ પ્રેરક છે. ગામમાં દરેક જ્ઞાતિ માટે મિનરલ પાણીનું એ.ટી.એમ. છે. નમોવનમાં 10 હજાર વૃક્ષ છે, સરપંચ `શ્રેષ્ઠત્વ' પુરસ્કાર જીતી ચૂક્યા છે. અલબત્ત, વિકાસમાં બિનનિવાસી દાતાઓનો મોટો સાથ-સહકાર છે, સંપીલું આદર્શ ગામ છે. - ભક્તિ ગૌરક્ષણ : 947ની વસ્તી છે, જે ઇ.સ. 1990ના દાયકામાં 1107ની હતી, સ્થળાંતર થતું રહ્યું છે. ગામની સ્થાપના 185 વર્ષ પહેલાં સંઘાર સમાજની વ્યક્તિઓએ કરી હતી. રાજાશાહીમાં માનકૂવાના રાજપ્રતિનિધિઓ અહીંનો કર ઊઘરાવી ખજાનામાં આપતા. 326 એકર કૃષિ ભૂમિ રેવેન્યૂ છે, 198 એકર પિયત છે, 98 બિનપિયત, ગૌચર, રખાલ છે. 488 જેટલા ગૌવંશ માટે `ભક્તિ ગૌરક્ષણ' કાર્યરત છે. ગામના સરપંચ પ્રીતિબેન મૂરજી વેકરિયાએ નાનાં એવા ગામને પ્રવૃત્તિઓથી ધમધમતું રાખ્યું છે. - નિ:શુલ્ક શિક્ષણ સેવા : મહિલાઓ માટે નિ:શુલ્ક સિવણ વર્ગ, કમ્પ્યુટર ક્લાસ, બ્યૂટીપાર્લર, સ્વરક્ષણ માટે કરાટેની તાલીમ દરેકને અપાઇ છે. કોઇ બાળકને ટયુશન જવું પડતું નથી. દરેક માટે મફત શિક્ષણસેવા છે. ગામની મોટાભાગની શેરીઓ સિમેન્ટની છે, ગામમાં શુદ્ધ પેયજળ છે, ત્રણ એ.ટી.એમ. છે - એક રૂપિયો નાખતાં બે લિટર પાણી મળે છે, 100 ટકા શૌચાલય છે, ગ્રામ વિકાસ માટે પંચાયતને શ્રેષ્ઠત્વનો એવોર્ડ દિલ્હી મુકામે મળેલો છે. - ભક્તિ મહિલા મંડળ : ભક્તિ મહિલા મંડળ છે જે ઘર-ઘર કરવેરા એકત્ર કરે છે. પ્રતિવર્ષ પંચાયત દ્વારા યાત્રાનું આયોજન થાય છે. વેકરિયા માલતીબેન વિનોદભાઇ ગુજરાત વિધાનસભાના એકદિવસીય પ્રતીક ઉપાધ્યક્ષ બન્યા તે ગામ યાદ કરે છે તે બાલિકા પંચાયતના સરપંચ છે. પંચાયતી ઇતિહાસના આવાં અનેક સોપાન ગામ ચડયું છે. અહીંનો સંપ પ્રેરક છે. - ધર્મસ્થાનો : ઇ.સ. 1972માં પ્રા. નિશાળ, 1974માં બાલમંદિર બન્યું છે. અહીં 1950માં શિવમંદિર તો 185 વર્ષ પહેલાં હનુમાનજી મંદિર ગામની સ્થાપના સમયે બંધાયું હતું. આંબા ખીમજી ભંડેરીએ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર માટે ડેલાનું દાન આપ્યું. અહીંના ત્યાગી પુરાણી કૃષ્ણપ્રસાદ સ્વામી હજી હમણા 90 વર્ષની વયે અક્ષરવાસી થયા છે. તેમણે ગામને સત્સંગમયતાનાં આશીર્વાદ આપ્યા હતા. - ભુજ મંદિર દ્વારા સત્સંગનું પોષણ : સંવત 1967માં નરનારાયણદેવ અમદાવાદ કાલુપુરના આચાર્ય કેશવપ્રસાદજી મહારાજે સ્વામી અક્ષરજીવનદાસજી સ્વામીના હસ્તે બહેનોના સ્વામિનારાયણ મંદિરના પાયા નાખ્યા અને પ્રતિષ્ઠા કરી હતી. રળિયામણાં વાડાસરને ભુજ સ્વામિનારાયણ મંદિરે સત્સંગનું પોષણ કર્યું અને વિદેશમાં સાથ-સહકાર આપી સુખિયા કરવામાં ભૂમિકા ભજવી હતી. સંવત 1994માં ભાઇઓનું મંદિર અને હાલે બંને વિશાળ મંદિરોનાં નિર્માણ ભવ્ય રીતે થયાં છે. હાલ વરિષ્ઠ સાંખ્યયોગી સામબાઇ ફઇ, માનબાઇ ફઇ, નયના ફઇ, પ્રવીણા ફઇ સત્સંગ કરાવે છે. - સમાજની કામગીરી : ઇ.સ. 1988માં વાડાસર લેવા પટેલ સમાજની સ્થાપના, સ્વતંત્ર મકાન, મોટું પ્રાંગણ, ભોજનાલય છે. સમાજના મકાનના દાતા રવજી હરજી રાબડિયા અને લક્ષ્મીબેન રવજી રાબડિયા છે. આ પરિવારે મંદિર મહોત્સવમાં પણ નોંધપાત્ર દાન આપ્યું છે, જ્યારે વાલજી રવજી અને લાલબાઇ ભંડેરી સહયોગી હતા. ગામના દેશ-વિદેશવાસી ઘણા દાતાએ પણ માતબર દાન આપેલું છે. - ઘર ઘર પાણી : વાડાસરના અનેક પરિવારો કેન્યા, તાન્ઝાનિયા, યુગાન્ડા, સિસલ્સ, અખાતી દેશ અને અમુક યુ.કે.માં પણ વસ્યા છે અને પ્રગતિ પામ્યા છે. સમાજના વર્તમાન પ્રમુખ મૂરજીભાઇ મનજી ભુડિયા છે. ઇ.સ. 1980 સ્વતંત્ર પાણી યોજના શરૂ કરી, આજે ઘર ઘર નળ છે. વર્ષો પહેલાં કરશન રૂડા રાબડિયાએ `ખડિયું' તળાવ બંધાવ્યું હતું. કોઇ એક વ્યક્તિએ બંધાવેલું જળાશય પર્યાવરણપ્રેમનો દાખલો છે. ગામના રૂપેશ કરશન રાબડિયા પાઈલટ છે, મુક્તાબેન રવજી રાબડિયા યુ.કે.માં સોલિસીટર છે, તો ધીરજલાલ ધનજી રાબડિયા કાઉન્સિલર છે. રવજી હરજી રાબડિયા ભુજ સમાજ-મંદિરના દાતા છે. ઇ.સ. 1998માં રૂડા રામજી હીરાણી પરિવારે પ્રવેશદ્વાર બંધાવેલું હતું. સ્મશાન ભૂમિ ટ્રસ્ટ છે. ઇ.સ. 1968માં વિકસાવાયેલા ગૌરક્ષણ ટ્રસ્ટના કારણે પશુધન સુરક્ષિત છે. ગામના નાઇરોબીવાસી વડીલ કલ્યાણ હરજી રાબડિયા માહિતી આપતાં કહે છે, ચોવીસીમાં પ્રથમ એવા ભરત મનસુખ હાલાઇ કેન્યા દેશની અન્ડર-19 ટીમના સભ્ય હતા. મનજી જાદવા ભુડિયા જેવા અનેક આગેવાનોએ ગામની પ્રવૃત્તિઓમાં સાથ આપ્યો હતો. મહામુક્ત અમરબાઇ ફઇ, પૂરબાઇ ફઇને લોકો યાદ કરે છે. - વાડાસરનું ગૌરવ : ભંડેરી રોડ : ઇ.સ. 1937માં વાડાસરમાં જન્મેલા લક્ષ્મણભાઇ કચ્છમાં ત્રીજું ધોરણ ભણી ઇ.સ. 1947માં કેન્યા આવેલા હતા. નાઇરોબીમાં ગવર્નમેન્ટ ઇન્ડિયન (હાલ સિટી પ્રાઇમરી સ્કૂલ), ડયુક સ્કૂલમાં માધ્યમિક, ઇ.સ. 1958માં મેટ્રિક, ફોર્મ-5 અને 6 પાસ કર્યું. બી.એસસી. ઇકોનોમિક્સ ઓનર્સ કંપાલામાં કર્યું, બાદમાં ફેલોશિપ મેળવી પબ્લિક એડમિનિસ્ટ્રેશન કરી કેન્યાના ખેતીવાડી ખાતામાં માર્કેટ રિસર્ચ ઓફિસર બન્યા. રોમ, નાઇજીરિયા, અલ્જિરિયામાં કેન્યાનું પ્રતિનિધિત્વ કર્યું. આફ્રિકન નિરાશ્રિત બાળકો માટે પોતાનાં વેતનમાંથી ફી આપતા. તા. 18/4/1972ની ઇસ્ટ આફ્રિકન એરવેઇઝ અકસ્માતમાં અવસાન પામ્યા. તેમને રાષ્ટ્રીય સન્માન અપાયું. કેન્યન રાષ્ટ્રપતિ રહેલા કિબાકી સાથે તેમની વિદ્યાર્થીકાળની મૈત્રી હતી. દેશસેવાની કદરરૂપે તેમનો હંમેશાં સાથ મળ્યો. કેન્યા દેશે તેમના માનમાં `ભંડેરી રોડ' નામકરણ કર્યું તેવા પ્રથમ કચ્છી હતા તેનું વાડાસરને હંમેશાં ગૌરવ છે. 

Panchang

dd