ભુજ, તા. 12 : શહેરમાં વાણિયાવાડથી વી.ડી.
હાઈસ્કૂલ તરફના સતત ધમધમતા માર્ગે રાજન ફર્નિચરની સામે આવેલી બાવળોની ઝાડીઓમાં આગ લાગતાં
વીજ ડીપી પણ લપેટમાં આવી હતી, જેના કારણે જોરદાર ધડાકો થયા બાદ આસપાસના વિસ્તારમાં
થોડો સમય વીજ પુરવઠો ઠપ થયો હતો. બનાવના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. જો કે,
ફાયર શાખાને જાણ કરાતાં તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને પાણીનો
મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગુરુવારે સાંજના અરસામાં બનેલી આ ઘટનામાં પહેલાં
ઝાડીઓમાં કોઈ કારણે આગ લાગી હતી. જોતજોતાંમાં આ આગ વીજ ડીપીમાં પણ આગ લાગી હતી અને
ધડાકો થયો હતો, જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં થોડા સમય માટે
વીજળી ડૂલ થઈ હતી. ઘટનાના પગલે આજુબાજુના દુકાનદારો, રહેવાસીઓ
તેમજ રાહદારીઓનાં ટોળાં એકત્ર થયાં હતાં. બનાવના પગલે અફરાતફરી સાથે ભય ફેલાયો હતો.
સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.