ગાંધીધામ, તા. 12 : કચ્છનાં આર્થિક પાટનગર તરીકે
જાણીતા ગાંધીધામ સંકુલ મહાનગર તરીકેના નવા વાઘા સાથે સજ્જ બની રહ્યું છે. વિવિધ વિસ્તારોમાં
ચાલતાં વિકાસનાં કામોના ધમધમાટ વચ્ચે અંજાર અને આદિપુરને જોડતા ચાર માર્ગીય રસ્તા ઉપર રોડ લાઈટ નાખવાની મહાનગરપાલિકા ગતિવિધિ હાથ ધરાઈ છે. અંજાર
અને આજુબાજુના અનેક વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ગાંધીધામ અને આદિપુરમાં રોજગારી
અર્થે આવે છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા અંજાર-આદિપુરને જોડતા રસ્તા ઉપર દિવાબત્તી નાખવામાં
આવશે. અંદાજિત છ કિલોમીટરના માર્ગ ઉપર 160 જેટલા રોડ
લાઈટના થાંભલા નાખવામાં આવશે, જેમાં
320 રોડ લાઈટ નાખીને અંધારા ઉલેચવામાં
આવશે. આ પ્રકલ્પ તળે અંદાજિત રૂા. 80 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ માર્ગ ઉપર રોડ લાઈટના કારણે લોકોની
સુરક્ષામાં અને સુખાકારીમાં વધારો થશે. બીજીબાજુ તુણા પાસે ડીપી વર્લ્ડ સંચાલિત નવું
પોર્ટ આકાર લઈ રહેલું હોવાથી નવું ગાંધીધામ, અંતરજાળ, શિણાય માર્ગ વિકસી રહ્યો છે. આ માર્ગ ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી અનેક રહેણાક વસાહતો નિર્માણ પામી છે. વિકસતા નવા ગાંધીધામ વિસ્તારમાં પણ મહાનગરપાલિકાએ પાયાની સવલતો આપવાની દિશામાં વ્યાયામ
આદરયો છે. મહાનગરપાલિકાના જાણકારોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, મુંદરા સર્કલથી છેક શિણાય પોલીસ હેડક્વાર્ટર ગોલાઈ સુધી રોડ લાઈટ નાખવામાં આવશે. 80 લાખના ખર્ચે આ માર્ગ ઉપર 158 થાંભલા નાખી 316 લાઈટ સાથે આ વિસ્તારમાં રાત્રિના સમયે નવી ઊર્જાનો પ્રકાશ ફેલાશે.