કોટડા (ચ.), તા. 23 : એક સમય હતો
કે કોઇ પણ ઋતુ હોય, ગામડાંની શેરીઓમાં
`ખાલી ડબ્બા, ખાલી ગુણી, પ્લાસ્ટિક,
ભંગાર...'નો સાદ સંભળાતો જે સમયની સાથે જીવનશૈલીમાં
ફેરફાર આવતાં લુપ્ત થવાના આરે છે. ભંગાર આપવાનો સાદ પડતાં લોકો ઘરમાંથી જૂના તેલના
ડબ્બા, લોખંડ કે પ્લાસ્ટિકની જૂની ચીજવસ્તુઓ કે જૂના વાસણો કાઢીને
આપતા જેમાંથી કારીગરો ઘરવપરાશની ચીજવસ્તુઓ બનાવી રોજીરોટી મેળવતા. હથોડી, કાતર, પ્લાસ અને અન્ય સામાન્ય સાધનોની મદદથી અનાજ સાફ
કરવાના સૂપડાં, લોટ ચાળવાની ચાયણી, અનાજ
રાખવાના કડીવાળા ડબ્બા, ઉંદર પકડવાના પાંજરા સહિત અનેક ઉપયોગી
વસ્તુઓ બનાવવા કારીગરો પોતાનું કૌશલ્ય અને મહેનત પરોવીને બનાવતા અને રોજગાર હાંસલ કરતા,
પરંતુ આ કારીગરી હવે ઇતિહાસ બની રહી છે. ગામના આંગણે કે શેરીઓમાં બેસીને
કારીગરો કામ કરતા ત્યારે નાના બાળકો ઉત્સુકતાથી નિહાળતા અને હુન્નરનો કુદરતી બોધપાઠ
મેળવતા, પરંતુ સમય બદલાયો, સ્ટીલ-એલ્યુમીનિયમ
કે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં તૈયાર થતી અને બજારમાં સરળતાથી સસ્તા ભાવે મળી રહેતી વસ્તુઓનાં
પરિણામે જૂની કારીગરી જોવા નથી મળતી. કોઇ પણ વિશેષ તાલીમ કે આધુનિક યંત્રોના ઉપયોગ
વિના પોતાની સર્જનાત્મકતા અને મહેનતના જોરે કામ કરતા આ કારીગરોને કાચામાલની અછત સર્જાતાં
પ્રોત્સાહન ખૂટયું અને કારીગરો અન્યત્ર રોજગારી મેળવવા રોકાઇ ગયા હોવાથી `ખાલી ડબ્બા, ખાલી ગુણી' સાદ માત્ર
સ્મરણ બનીને રહી જશે.