• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

કચ્છનું પ્રસિદ્ધ જૈનતીર્થ 72 જિનાલય

જીવરાજ ગઢવી દ્વારા : કોડાય (તા. માંડવી), તા. 12 : તાલુકા કોડાય પુલ નજીક આવેલું યશોધન વર્ધમાન 72 જિનાલય મહાતીર્થ કચ્છના પ્રસિદ્ધ જૈન તીર્થધામોમાં આગવું સ્થાન ધરાવે છે. અદભુત કોતરણી, આરસના 232 કલાત્મક સ્તંભો, સુંદર બાગ-બગીચા અને ધાર્મિક વાતાવરણના કારણે આ તીર્થ દેશ-વિદેશના જૈન શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 72 જિનાલય ખનનવિધિ તા. 5 ડિસેમ્બર, 1982ના કરવામાં આવી હતી. ત્યારબાદ તા. 1 મે. 1987ના ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહના હસ્તે તીર્થનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રસંત અચલગચ્છાધિપતિ આચાર્ય ગુણસાગરસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી નિર્માણ પામેલા આ મહાતીર્થનો અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ વૈશાખ સુદ-7, તા.24  એપ્રિલ, 1996ના અચલગચ્છાધિપતિ ગુણોદયસાગરસૂરિશ્વરજી મ.સા. તથા સહિત્ય દિવાકર આચાર્ય કલાપ્રભસાગરસૂરિજી મ.સા. સહિત વિશાળ સખ્યામાં સાધુ-સાધ્વીની નિશ્રામાં સંપન્ન થયો હતો. 85 એકરમાં પથરાયેલું તીર્થ આ સમગ્ર મહાતીર્થ આશરે 85 એકર વિસ્તારમાં પથરાયેલું છે. દેરાસરજીનો વિસ્તાર 90 હજાર ચોરસ ફૂટ ધરાવે છે. તીર્થનું મુખ્ય જિનાલય અષ્ટકોણ આકારમાં સંગમરમરથી બનેલું છે. મુખ્ય જિનાલયનું શિખર આશરે 111 ફૂટ ઊંચું છે, જે તારંગા તીર્થની શૈલીની ઝાંખી કરાવે છે. - તીર્થની વિશેષતા : 72 જિનાલયના નૈઋત્ય ખૂણે તીર્થના સ્વપ્નદ્રષ્ટા શાસન સમ્રાટ અચલગચ્છાધિપતિ આચાર્ય ગુણસાગરસૂરિશ્વરજી મ.સા.ના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર થયેલી ભૂમિ પર ગુરુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. - બે ટ્રસ્ટ દ્વારા સંચાલન : તીર્થના સુચારું સંચાલન માટે યશોધન વર્ધમાન બહોતેર જિનાલય ટ્રસ્ટ તથા આર્યકલ્યાણ જૈન  ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. જિનાલય ટ્રસ્ટ દ્વારા દેરાસરને લગતા દેવદ્રવ્ય તથા ધાર્મિક કાર્યોનું સંચાલન થાય છે. જ્યારે આર્યકલ્યાણ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અતિથિ ગૃહ, ભોજનશાળા, ભાતાઘર, પાણીની પરબો, ચબૂતરા, ઉપાશ્રયો સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd