ભુજ, તા. 12 : બંગાળની ખાડીમાં સર્જાયેલા
હવાના હળવા દબાણની અસર તળે કચ્છમાં વરસાદ વરસવાના વર્તારા વચ્ચે ભાદરવા માસના આરંભે
જ કચ્છમાં આકરો તાપ વરસ્યો હતો. તાપના પ્રભાવની સાથે ભુજ અને માંડવી તાલુકાના ગ્રામ્ય
વિસ્તારમાં વરસાદી ઝાપટાં વરસતાં પાછોતરો વરસાદ વરસવાની આશા પ્રબળ બની હતી. જિલ્લા
મથક ભુજમાં મહત્તમ પારો 38.8 ડિગ્રી એટલે
કે, 39 ડિગ્રીની
નજીક પહોંચતાં કચ્છનું મુખ્ય મથક રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. અંજાર-ગાંધીધામમાં
પારો ઊંચકાઈને 37.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન
વિભાગે ગણેશોત્સવના દિવસે કચ્છમાં ભારે વરસાદનું યલોએલર્ટ જારી કર્યું છે. દહીંસરા
વિસ્તારમાં લાંબી ચાતક નજરે રાહ જોવડાવ્યા બાદ અડધા કલાકમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો.
આ વરસાદથી ઊભા પાકોને જીવતદાન મળ્યું છે. આસપાસના ગામો ચુનડી, ધુણઈ, સરલી, પુનડી, ગોડપર, મેઘપર, ખત્રી તળાવ ખાતે મેઘો વરસ્યો હતો.
જાહેર રસ્તા, શેરી, વોકળામાં પાણી
વહી નીકળ્યા હતા. સવારથી વરસાદી માહોલ વચ્ચે સાંજે મેઘાની હાજરીથી ધરતીપુત્રો,
પશુપાલકો, માલધારી લોકો ખુશ થયા હતા. એરંડા,
કપાસ, તલ, મગફળી,
ચોળા, મગ માટે કાચું સોનું વરસ્યું છે. માંડવી
તાલુકાના ધુણઈમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોરના ઉકળાટ બાદ સાંજે અચાનક અડધો
ઈંચ જેટલો વરસાદ પડી જતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. આ અચાનક પડેલા વરસાદથી સમગ્ર
વિસ્તારમાં ઠંડક પ્રસરી જતાં ગ્રામજનોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. વરસાદના કારણે અગાઉ
ઊગી નીકળેલ સીમાડામાં ઘાસચારાને નવજીવન મળ્યું છે. ભુજ તાલુકાના કોટડા (ચ.),
નારાણપર, માંડવીના મોટી ભાડઈ સહિતના ગામે વરસાદી
ઝાપટાં રૂપે હાજરી પુરાવી હતી. હવામાન વિભાગે 17મી તારીખ સુધી જિલ્લામાં વરસાદની આગાહી
કરી છે. 14મીએ ભારે, તો મંગળ-બુધવારે ગાજવીજ સાથે વરસાદ વરસવાની
સંભાવના વ્યક્ત કરાઈ છે. ભુજમાં મહત્તમ પારો ઊંચકાતાં આકરી ગરમીનો અનુભવ થયો હતો. માંડવી-ભુજ
હાઈવે પર જખણિયા નજીક સાંજે મેઘરાજાએ એન્ટ્રી કરતાં વરસાદ વરસ્યો હતો તેમજ પુનડી વિસ્તારમાં
પણ વરસાદ વરસ્યો હતો. પુનડીથી એસ.પી.એમ.ના મેનેજર નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું
કે, પુનડી રોડ પર વરસાદથી પાણી વહી નીકળ્યા હતા.