• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

અછત સમયમાં કંપનીઓ કચ્છમાં જ વાપરે સીએસઆર

મુંદરા, તા. 11 :  મુંદરા શહેર તેમજ તાલુકા આસપાસ છેલ્લા બે દાયકામાં ઔદ્યોગિક વિકાસ થયો અને કંપનીઓ આવી અને કરોડો રૂ.નો અહીંથી નફો કમાઈ રહી છે, પરંતુ સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) કે સીઇઆર (કોર્પોરેટ એન્વાયર્નમેન્ટ રિસ્પોન્સિબિલિટી) હેઠળ ખર્ચ કરવાની વાત આવે છે, ત્યારે કંપનીઓ પાછીપાની કરે છે અને ખર્ચ કરે તોય સ્થાનિક વિસ્તારને પ્રાધાન્ય ન આપતું હોવાની ફરિયાદ ઊઠી છે. જિ. પં. પૂર્વ સદસ્ય હાજી સલીમભાઈ જતે મુંદરા શહેર અને તાલુકાની કંપનીઓ પર પત્રમાં ગંભીર આક્ષેપ કર્યા હતા કે, સીએસઆર અને સીઈઆરની રકમોમાંથી આસપાસના વિસ્તાર માટે ખર્ચા કરવાની વાત તો દૂર પૂરેપૂરૂં ભંડોળ પણ વપરાય છે કે કેમ એ પ્રશ્ન છે. વાર્ષિક- અર્ધ વાર્ષિક અહેવાલોનું સંબંધિત તંત્રો દ્વારા કોઈ યોગ્ય ઓડિટ કરાતું જ નથી. ખરેખર સમાજ માટે કરેલા ખર્ચાઓ જાહેર કરવાનાં હોય છે, જે કરાતા નથી માત્ર કરવાનું છેતેનાથી ઓછું કામ કરીને પ્રસિદ્ધિ મેળવી વાહવાહી જ કરવામાં આવે છે. તેમણે માંગ કરી કે, કચ્છમાં વરસાદ નથી થયો, ત્યારે મુંદરા તા.માં ધીકતી કમાણી કરતી કંપનીઓ ગામડાંઓમાં ઘાસચારો, પાણીની વ્યવસ્થા ગોઠવે, દૂધાળાં પશુઓનાં માલધારીઓને હિજરત કરવાનો વારો આવ્યો છે, ત્યારે કચ્છમાં સીએસઆર વપરાય. તેમણે ઉમેર્યું કે, કંપનીઓનો સંપર્ક કરીએ છીએ, તો કંઈને કંઈ રીતે ટાળી દેવામાં આવે છે, ખરેખર નિયમ મુજબ પૂર્ણ નફાના બે ટકા ખર્ચો અને તે પણ સ્થાનિક મુંદરા અને આસપાસનાં ગામોમાં  દરેકે દરેક કંપનીઓએ કરવો જોઈએ. જો કયાંક વ્યવસ્થા ન હોય, તો રજિસ્ટર ટ્રસ્ટને સાથે રાખીને પણ આ નાણાં મુંદરામાં વાપરવા જોઈએ. - સીઇઆરમાં પ્રોજેક્ટના ખર્ચ પ્રમાણે નજીકનાં ગામોને લાભ આવશ્યક :  સીઇઆર એ પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ 1986 હેઠળ પર્યાવરણ મંજૂરી મેળવવા માટેની મુખ્ય શરત છે, જેમાં સ્થાનિક પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસમાં ખર્ચ અને રોકાણની કંપનીની જવાબદારીનો ઉલ્લેખ છેજેમાં સીએસઆરથી વિપરીત ભંડોળને શરૂ થતા પ્રોજેક્ટના ખર્ચ પ્રમાણે પ્રોજેક્ટનાં સ્થળની આસપાસના અસરગ્રસ્ત કે લાગુ પડતાં ગામોને લાભાર્થી તરીકે જોડાવાના હોય છે. એટલું જ નહીં, પર્યાવરણ મંજૂરી માટે અરજી કરતી વખતે મૂડી રોકાણનાં કદ મુજબ અલગ અલગ ચોક્કસ ટકાવારીમાં ખર્ચ કરવો આવશ્યક હોય છે. અને કંપનીએ સીઈઆરની કરવાની પ્રવૃત્તિઓની રૂપરેખા પર્યાવરણ મંજૂરીનાં પ્રથમ બે વર્ષમાં જ અમલમાં મુકવાની હોય છે. -  સીએસઆર કાયદા મુજબ સ્થાનિકને પ્રાથમિકતા જરૂરી : કંપની અધિનિયમ, 2013 હેઠળ કંપનીઓએ તેમનાં ત્રણ નાણાકીય વર્ષમાં કરેલા સરેરાશ ચોખ્ખા નફાનાં ઓછામાં ઓછા બે ટકા સીએસઆર તરીકે સામાજિક જવાબદારીના ભાગરૂપે ખર્ચવાના હોય છે અને કાયદાની કલમ 135ની જોગવાઈ મુજબ, સ્થાનિક આસપાસનાં વિસ્તારોને પ્રાથમિકતા આપવાની હોય છે. વણખર્ચાયેલી રકમ સીએસઆર એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને પછીનાં વર્ષમાં પણ ખર્ચવાની હોય છે, પરંતુ સ્થળની પસંદગી કંપનીઓ દ્વારા સીએસઆર સમિતિઓ પર છોડી દેવામાં આવે છે, એવું પણ ક્યાંક જોવામાં આવે છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd