ભુજ, તા. 11 : કચ્છમાં વરસાદ ખેંચાતાં માલધારીઓની
ઘાસની જરૂરિયાતને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી 17 લાખ કિ.ગ્રા.થી વધુ ઘાસ પશુઓ
માટે અપાઇ ચૂક્યું છે, હજુ પણ સતત
ઘાસકાર્ડ ઇશ્યૂ કરવાની અને માગણી મુજબ ઘાસચારા વિતરણની કામગીરી ચાલી રહી છે. માંડવી તાલુકાના મામલતદાર પ્રદ્યુમનાસિંહ જેઠવાએ જણાવ્યું હતું કે, માંડવી તાલુકામાં તા. 23 જુલાઇથી અત્યાર સુધી ચાર લાખ કિ.ગ્રા.થી વધુ ઘાસનું વિતરણ કરાયું
છે. તાલુકામાં 90 ગામને આવરી લેતા 10 ડેપો કાર્યરત છે. તાલુકામાં
1,40,089 પશુધન છે, ત્યારે 5300 ઘાસકાર્ડ ઇશ્યૂ કરાયા છે, હજુ પણ નવી નોંધણી સાથે આવક અને વિતરણની પ્રક્રિયા
ચાલી રહી છે. કોડાયના પશુપાલક રવિભાઇ ગઢવીએ
જણાવ્યું હતું કે, ઓછા વરસાદના કારણે ઊભી થયેલી ઘાસચારાની જરૂરિયાતને
ધ્યાને લઇને રાજ્ય સરકાર ઘાસનું વિતરણ કરી રહી છે, જે અમારા માટે
રાહતરૂપ બન્યું છે. બજારમાં જે ઘાસ રૂા. 15થી 16 કિ.ગ્રા.ના
ભાવે મળે છે, તે જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત
ઘાસ સરકાર દ્વારા માત્ર પ્રતિકિલો રૂા. બેના ભાવે અમને અપાઇ રહ્યું છે. અગાઉ પ્રથમ
રાઉન્ડમાં ઘાસ મળ્યા બાદ શુક્રવારે બીજા રાઉન્ડમાં ઘાસ લેવા આવ્યો છું. કોડાયના સરપંચ
વિરલભાઇ જોશીએ જણાવ્યું હતું કે, કોડાય ગામમાં ડેપો શરૂ કરાયો
છે, જેમાં અહીંના 11 ગામનો સમાવેશ કરાયો છે.