વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 11 : જેને દેશના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જુલાઈ-27ના લોકાર્પિત કરવાનો યુ.કે. કોમ્યુનિટી દ્વારા તખતો ઘડાયો છે
તેવા નોર્થહોલ્ટ લંડન સ્થિત `ઈન્ડિયા ગાર્ડન' નિર્માણની સામાજિક માહિતી કેન્યા ખાતેના કચ્છીઓને
અપાઈ હતી. તાજેતરમાં ટીમ યુ.કે. વતી આફ્રિકાની મુલાકાત યોજાઈ હતી. વિશ્વવાસી લેવા પટેલ
સમાજો એક છત્ર રચી જ્યાં જ્યાં ભગિની સંસ્થાના પ્રોજેક્ટ નિર્માણાધીન હોય તેને પરિપૂર્ણ
કરવા ખભેખભા મિલાવી `એક સમાજ' બની પુરુષાર્થ કરે તેવી ભાવના સાથે કચ્છ લેવા
પટેલ કોમ્યુનિટીના પ્રતિનિધિઓએ કેન્યાની મુલાકાત લઈ માહિતી આપી હતી જેને બહોળો પ્રતિસાદ
મળ્યો હતો. યુ.કે.માં વસતા અંદાજિત 25 હજાર કચ્છી લેવા પટેલ જ્ઞાતિજનોની નવી પેઢીને સામાજિક રીતે માતૃસંસ્થા
ભુજ સમાજ અને માતૃભૂમિ કચ્છ સાથે જોડી રાખવા યુ.કે. કોમ્યુનિટીએ 255 કરોડ રૂપિયાનો અતિમહત્ત્વાકાંક્ષી
પ્રોજેક્ટ `ઈન્ડિયા ગાર્ડન' નામ સાથે શરૂ કર્યો છે જે હાલ પૂર્ણતા ભણી આગળ
વધી રહ્યો છે. નિર્માણની વિગતો બૃહદ કચ્છીઓને મળે તે હેતુથી કોમ્યુનિટીના યુવા-સમર્પિત
અધ્યક્ષ માવજીભાઈ ધનજીભાઈ વેકરિયા (કેન્ફોર્ડ), મૂળ માધાપરના
જયસામ કન્સ્ટ્રક્શનના માલિક અને કોમ્યુનિટી ટ્રસ્ટી સામજીભાઈ શિવજી દબાસિયા,
કેરા-કુન્દનપર લેવા પટેલ શિક્ષણ
ટ્રસ્ટના મંત્રી વસંત પટેલે આફ્રિકાની સામાજિક યાત્રા કરી હતી. કેન્યાવાસી કચ્છીઓને
નિર્માણ અને હેતુઓથી અવગત કરાયા હતા. સ્વામિનારાયણ મંદિરો, નાઈરોબી-મોમ્બાસા
સમાજ તેમજ વ્યક્તિગત આગેવાનોને વિસ્તૃત માહિતી અપાઈ હતી. વિશ્વવાસી કચ્છીઓના સામાજિક
રીતે સૌથી મોટા આ પ્રોજેક્ટની વિગતો સાથે 2027ના જુલાઈ-ઓગસ્ટમાં યોજાનાર ત્રિદિવસીય લોકાર્પણ પ્રસંગે પધારવા
કેન્યા કોમ્યુનિટીને આમંત્રણ અપાયું હતું. યુ.કે.ના ભાઈઓ દ્વારા સમાજ ભાવનાથી સર્જાઈ
રહેલા આ પ્રકલ્પને બહોળા પ્રતિસાદ સાથે અભિનંદન આગોતરી રીતે અપાયા હતા. `ઈન્ડિયા ગાર્ડન'ને સાકાર કરવા ભુજ સ્વામિનારાયણ મંદિર,
વિલ્સડન સ્વામિનારાયણ મંદિર, મણિનગર ગાદી સંસ્થાન
કિંગ્સબરી મંદિર, અબજીબાપા છતરડી, યુ.કે.
ગુરુકુળ પરિવારનો સંસ્થાકીય સાથ સહકાર મળ્યો છે. જ્યારે વ્યક્તિગત રીતે ભુજ સમાજ પ્રમુખ
વેલજીભાઈ પિંડોરિયા, ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈએ પણ અગાઉ દાન નોંધાવ્યું
હતું, તો આફ્રિકાના દાતાઓ પણ આગળ આાવ્યા હતા. મહત્તમ દાન યુ.કે.ના
જ્ઞાતિજનોએ નોંધાવી મક્કમતાના દર્શન કરાવ્યા હતા.
સમગ્ર નિર્માણને લોકાર્પિત કરવા યુ.કે. કોમ્યુનિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો
કચ્છ સાંસદ મારફતે સંપર્ક સાધવા તખતો ઘડાયો છે.
30-31 જુલાઈ, 1 ઓગસ્ટ ત્રિદિવસીય
ઉજવણીમાં કચ્છી સંસ્કૃતિ સાથે વૈશ્વિક છાંટ સાથેનો જબ્બર મહોત્સ યોજવા મોટી તૈયારી
સમગ્ર કોમ્યુનિટી સહિયારી રીતે કરી રહી છે. કચ્છ સાથેનું સંકલન વસંત પટેલ સંભાળી રહ્યા
છે.