• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

કોમી એકતા, ભાઈચારો, શાંતિ અને માનવતાના સંદેશ

માંડવી, તા. 26 : પયગંબરે ઇસ્લામના જન્મદિને મનાવાતી ઇદે મિલાદુન્નબી મુબારક પર્વે અન્જુમ-એ-ઇસ્લામ આયોજિત વિશાળ જુલૂસને કાંઠા વિસ્તારમાં આવેલી મસ્જિદે ફિરદોશ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાથે નદીપાર સામે કાંઠે હાજી મખ્દુમશા દરગાહ શરીફ ખાતે મુફતી સાહેબના ફરજંદ સૈયદ હાજી અમીનશા હાજી અહમદશા બાવાએ બાલમુબારક પાઠવતાં કોમી સમરસતા સાથે વરસાદ માટે દુઆ કરી હતી. સવારે ઇદે મિલાદ પર્વે અહીંના કચ્છ અન્જુમન-એ-ઇસ્લામની રાહબરી હેઠળ કાંઠાવાળા વિસ્તારમાં આવેલી મસ્જિદે ફિરદોશ પાસેથી વિશાળ જુલૂસને પ્રસ્થાન કરાવતા મુફતી-એ-કચ્છના ફરજંદ સૈયદ હાજી કાસમશા બાવાએ મઝહબે ઇસ્લામમાં પર્વનું મહાત્મય પેશ કરતાં કોમી એકતા, આપસી ભાઇચારાનો સંદેશ આપીને દુર્ગુણો અને બદીઓથી મુક્ત રહેવા પૈગામ આપ્યો હતો. આ અવસરે વરસાદ માટે દુઆ કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ સાજિદભાઇ માણેકની અગવાઇમાં હાજી અલીમામદ  રોહા, આગરિયા હાજી-ઇસ્માઇલ, હાજી આદમ આગરિયા, હાજી યુસુફ છુછિયા, હાજી ફકીરમામદ સહિત મોટી સંખ્યામાં બિરાદરો જોડાયા હતા. મુખ્ય રસ્તાઓ ઉપરથી પસાર થઇ જુલૂસે સોનાવાળા નાકા પાસે વિરામ લીધો હતો. રસ્તામાં ઠેર ઠેર સત્કાર આયોજકોએ કર્યો અને મોં મીઠાં કરવાની વ્યવસ્થા કરાઇ હતી. આ બંદરીય શહેરમાં બે સ્થળે પયગંબર સાહેબના બાલમુબારક નસીબ હોવાથી સામાપાર નદી કિનારે પીર હાજી મુખ્દુમશા બાવાની દરગાહ શરીફ ખાતે મુફ્તી સાહેબના જયેષ્ઠ ફરજંદ સૈયદ હાજી અમીનશા બાવાએ રબીઉલ અવ્વલ મહિનાની 12મી તારીખના દિવસે હઝરત પયગંબર સાહેબના જન્મદિનને ઇદે મિલાદની શાનદાર ઉજવણીનો મહિમા વર્ણવતાં કુર્આન શરીફના ઉપદેશો, ઉસુલોનું અનુસરણ કરવા શીખ આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમન-શાંતિ એ ઇસ્લામનો પાયો છે. પ્રેમ-દયા-સદ્ભાવના ઉચ્ચ ગુણો-આદર્શો ઇન્સાનિયત, આપસી એખલાસ, ગરીબો-યતીમો-વિધવાઓ જરૂરતમંદોને સહાય, બીમારોને મદદ, વતન પરસ્તી વગેરેનો પૈગામ છે. ખેંચાતા વરસાદ માટે પરવર દિગારને રહેમત બની વરસાવવા અરદાશ કરવામાં આવી હતી, શહેર અને તાલુકામાંથી બહોળી સંખ્યામાં બિરાદરો જોડાયા હતા. શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરાઇ હતી.

Panchang

dd