મુંદરા, તા. 26 : પોર્ટ નજીક આવેલા અને ઔદ્યોગિક
રીતે ઝડપથી વિકસી રહેલા મુંદરા તાલુકામાં એક પછી એક નવી કંપનીઓનું આગમન હવે વધી રહ્યું
છે અને મોટાભાગની કંપનીઓ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે,
તેવી ફરિયાદો વચ્ચે આ તાજેતરના એક ઘટનાક્રમમાં બેરાજા ગ્રામવાસીઓએ એકતા
બતાવીને નજીકની એક ખાનગી કંપનીને બીજા તબક્કાની બાંધકામ મંજૂરી દરખાસ્ત સાથેનો ઠરાવ
ઉડાડીને જાકારો આપ્યો હતો. સત્તાવાર વિગતો મુજબ, તાજેતરમાં બેરાજા
ગામમાં બેરાજા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જયેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા (લાલુભા)ના
અધ્યક્ષસ્થાને ગ્રામસભા મળી હતી, જેમાં ગામની નજીક આવતી ઈશ્વરીય
ગ્લોબલ મેટલ લિમિટેડના ફેસ-ટુના વિસ્તરણ માટે બાંધકામની મંજૂરીના એકમાત્ર મુદ્દા સાથે
ગ્રામસભા મળી હતી. આ સભામાં તાલુકા પંચાયતના પ્રતિનિધિ તરીકે ટપ્પર તલાટી પી. વી. સાંખરાની
ઉપસ્થિતિમાં મંજૂરીનો ઠરાવો રજૂ થયો હતો, જેને 95 મતોની સરસાઇ સાથે ગ્રામજનોએ ફગાવી દીધો હતો. ઉપસ્થિત ગ્રામજનોમાંથી
મંજૂરીની તરફેણમાં 119 મત મળ્યા
હતા, જ્યારે મંજૂરીના વિરોધમાં 214 મત પડયા હતા. સરપંચ લાલુભા
જાડેજાએ જણાવ્યું કે, આ કંપની લીડ
જેવી જોખમી ધાતુઓનું રિસાયકાલિંગ કાર્ય કરે છે, જેમાંથી જોખમી-
હાનિકારક પદાર્થો ઉત્પન્ન થાય છે. જે લોકોના આરોગ્ય માટે બહુ જોખમી છે. માત્ર બેરાજા
જ નહીં આસપાસના બાર જેટલા ગામોના હવા-પાણીને બગાડીને પ્રદૂષણ ઊભું કરે એવો ભય છે. અમે
લાંબા સમયથી આ મુદ્દે લડત લડી રહ્યા છીએ. કંપનીના સક્ષમ પ્રતિનિધિઓને અનેકવાર પત્રો
લખવા સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડ સહિત તંત્રોમાં આ પ્રદૂષણ વિરોધમાં
અમે રજૂઆતો કરી છે અને આજે ગામલોકોએ એકતા બતાવી કંપનીને જાકારો આપ્યો છે. ગામની એકતાની
જીત થઈ છે.