• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

પચ્છમ પંથકમાં પાણીનો પોકાર

મુસા સુમરા દ્વારા : સુમરાપોર (પચ્છમ), તા. 26 : ભુજ તાલુકાના પચ્છમ વિસ્તારમાં ભરચોમાસાંની સિઝનમાં પાણીનો પોકાર સંભળાઈ રહ્યો છે. દેહપટ્ટી, પાશી વિસ્તાર તેમજ પૂર્વ નાની બન્ની વગેરેમાંથી પાણી અનિયમિતતાની રાવ વ્યાપક બનતાં અત્યારથી જ જો જળસંકટ સર્જાય તો આવનારા દિવસો કેવા જશે? એ તો સમય જ બતાવશે. હાલે સમગ્ર પંથકમાં અઠવાડિયાથી કરી પંદરેક દિવસે માંડ-માંડ પાણી વિતરણ કરાતાં અપૂરતું પાણી આવતું હોવાનું સામાજિક આગેવાનો જણાવી રહ્યા છે.

લાખોનો ખર્ચ છતાં તંગી

પાણી પાછળ બન્ની-પચ્છમ માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ દર વર્ષે કરવામાં આવે છે. છતાં પણ લોકો દર વર્ષે પાણીની યાતના ભોગવી માનસિક બીમારીની જેમ આ પાણીની તંગીના  રોગમાં સપડાય છે. જો પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ પાંચાડા માટે પાણીનો જથ્થો પૂરતી માત્રામાં અપાય છે, તો પાણી છેવાડાનાં ગામડાંઓ સુધી કેમ પહોંચતું નથી ? એ પણ તપાસનો વિષય છે. નાના-મોટા ગ્રામ્ય પંથકના તળાવોમાં વરસાદી પાણી હાલે એકાદ માસ ચાલે તેટલું પડયું છે, ત્યાં સુધી પશુધન માટે રાહતરૂપ છે. જો નાના તળાવોમાં પાણી પૂરું થઈ જાય, તળાવો સૂકાઈ જાય અને વરસાદ ખેંચાય તો પશુઓ પાણી વિના ટળવળીને મરી જશે. બીજો તો કોઈ વિકલ્પ છે જ નહીં.

ટેન્કરના ભાવો આસમાને

પાણી લાઈનથી મળશે એવો કોઈને પણ ભરોસો નથી. લોકોને જીવનજરૂરિયાત માટે તેમજ પશુધન માટે પાણીની માત્રાની જરૂરરિયાત ખૂબ જ હોય છે, જેથી ન છૂટકે એક 5000 લિટરની ક્ષમતાવાળા ખાનગી ટેન્કરના રૂપિયા 600થી 700 ખર્ચવા પડે છે. મોંઘવારીના જમાનામાં ગરીબ પરિવારોને પરવડે એમ નથી. ઘણા પરિવારો તો જ્યાં સુધી વરસાદી પાણી તળાવોમાં સંગ્રહ થયેલું હોય તો પીવા માટે આ જ તળાવોનું દૂષિત પાણી પીવા માટે ઉપયોગમાં લે છે, જેથી આવા પરિવાર આવાં દૂષિત પાણીનાં કારણે અવારનવાર નાની-મોટી બીમારીના ભરડામાં સપડાય છે, એવું લોકો જણાવી રહ્યા છે.

પાણી સમિતિ બનાવો

કલેક્ટરના નેજા હેઠળ પાણીની સમિતિ બનાવવી ખૂબ જ જરૂરી છે, જેથી દર માસે દરેક ગામોના પાણીના જથ્થાની સત્તાવાર વિગત જાણી શકાય અને ફાળવેલ જથ્થો ગામોમાં પહોંચ્યો કે નહીં જેની ખરાઈ થઈ શકે. વધઘટ પાણીની જે પણ ફરિયાદ હોય તેનું તાકીદે નિરાકરણ થઈ શકે અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા જે પણ પાણીનો જથ્થો ફાળવેલો છે એ જ પ્રમાણે પાણી મળેલો છે, જેના દર માસે પંચાયતના સરપંચનો અભિપ્રાય ખૂબ જ અનિવાર્ય છે, જેથી પાણીની ચોરી - કટકી નિવારી શકાય.

વ્યવસ્થામાં જ ખામી

આખા પચ્છમને પાણી જ્યારે પણ અપાય છે, વિતરણ વ્યવસ્થામાં જ ખામી છે. સ્થાનિકે કોઈ જવાબદાર વ્યક્તિ જ નથી. એક ખાનગી રાખેલા માણસ પર આખી વિતરણ વ્યવસ્થાની જવાબદારી છે. એક ખાનગી પગારદાર વ્યક્તિ પર જો આખું સંચાલન જ નિર્ભર હોય તો નિયમિત પચ્છમને પાણી મળશે એની અપેક્ષા શું રાખી શકાય ? વરસાદી સિઝનમાં પાણીની ખેંચ ઊભી થઈ રહી છે, તો આવનારા દિવસો ખૂબ જ ગંભીર બનશે. જો વરસાદ ઓછો થશે તો પચ્છમ માટે આવનારા કપરા કાળના દિવસો ખૂબ જ મુશ્કેલી સર્જશે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા આગોતરું આયોજન કરી પાણી વિતરણ વ્યવસ્થા સુધારવા માગણી ઊઠી છે.

Panchang

dd