વસંત અજાણી દ્વારા : ભુજ, તા. 20 : તાલુકાના આહીરપટ્ટીના હબાય
ગામમાં આવેલા વાઘેશ્વરી માતાજી શક્તિધામ લોડાઈ-ધ્રંગમાં આવેલા દાદા મેકરણ ધામ અને ધરમપુર
પાસે આવેલા શ્રવણ કાવડિયા સ્થાનકથી ભાવિક ભક્તો પરિચિત છે. ત્યારે આ વિસ્તારના ખેંગારપર-ઉમેદપુર
અને ધરમપુર ગામના ત્રિભેટે આવેલું સ્વયંભુ શિવલિંગ ધરાવતું શિવાલય પાતાળિયા મહાદેવ
છેલ્લાં ઘણા વર્ષોથી શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. પાતાળિયા મહાદેવ મંદિર
નાના રણ અને ખેતરોની આજુબાજુમાં નિર્માણ પામ્યું છે. તેને ત્રણ દાયકા જ થયા છે પણ આ
મંદિરે દર સોમવારે થતાં ફૂલોના વિશેષ શણગારથી વધુ પ્રખ્યાત થયું છે. સ્વયંભુ શિવલિંગના
પ્રાગટય વિશે પ્રાપ્ત વિગતો મુજબ ખેંગારપર ગામના લખીમા ડાંગરને એક દિવસ ભગવાન શંકરે
સ્વપ્નમાં આવીને કહ્યું કે, નાના રણમાં
આવેલી મહાદેવિયા ટેકરી નીચે મારું સ્થાન આવેલું છે. લખીમાએ આ વાત પરિવાર અને ગામના
વડીલોને કરતાં ખેંગારપરના આગેવાનો અને યુવાનોને ટેકરી પર સફાઈ અને ખોદકામ કરતાં એક
શિલા દેખાઈ અને એ શિલાને દૂર કરતાંની સાથે એક સ્વયંભુ દિવ્ય શિવલિંગના દર્શન થયા અને
ત્યાં જ એક શંખ, દીવડી, પૂજાના વાસણો મળી
આવ્યા હતા. ટેકરી પાસે મેરાભાઈ ખેંગારભાઈ ડાંગરની જમીન આવેલી હોવાથી તેમણે મળી આવેલા
શિવલિંગ પાસેની ભૂમિનું દાન કરી દીધા પછી કરશન રવાભાઈ ડાંગર મંદિર નિર્માણમાં સિંહફાળો
આપ્યો હતો. ત્રણેક દાયકા પહેલાં થયેલા મંદિરના વિકાસમાં ગામના સરપંચ, વડીલો અને યુવાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. બાબુ મહારાજ અને ઠાકરશી મહારાજ સેવા
પૂજાનું કામ કરે છે. મંદિરે પક્ષીઓની મોટી સેવા થઈ રહી છે. જેઠ સુદ-13ના જાતર,
ભાદરવા સુદ-1ના હોમ-હવન અને શિવરાત્રિના વિશેષ કાર્યક્રમ યોજાય છે. આજુબાજુનાં
ગામોના શિવભક્તોથી મંદિર ગુંજતું રહે છે.