મુસા સુમરા દ્વારા : સુમરાપોર (તા. ભુજ), તા. 20 : ભુજ તાલુકાના
સરહદી પચ્છમ વિસ્તારમાં લાંબા ઇન્તજાર અને યાતનાઓ બાદ મેઘમહેરની થોડી ઝલક વરસાદરૂપી
હેત વરસાવતાં સારા ઘાસના અનુમાન સાથે પાલરપાણીના નદીઓના વહેણના વાવડ સાંભળી સૌ હિજરતી
માલધારીઓ પચ્છમની ધરા પર ધણ સાથે હેતથી આવ્યા, પણ પચ્છમની કરમભૂમિ પર વરસાદ ખેંચાતાં આ માલધારી-ખેડૂતવર્ગ ચિંતાતૂર બન્યો
છે.
ઘાસ મૂરઝાવા લાગ્યું
પચ્છમની ધરા અને કાળા-ગોરા ડુંગરની ગોદ ઘાસના ભંડારો તરીકે ઓળખાય
છે. પાલર પાણી પડે અને પચ્છમની ધરતી લીલી ચૂંદડીથી રંગીન બની જાય, પણ પહેલા રાઉન્ડમાં વરસાદ થયા બાદ હવે એકાદ
મહિનો થવા આવ્યો, જે ઘાસ ઊગીને નવા મંડાણ કર્યાં હતાં અને વનવગડાનાં
વૃક્ષોની કૂંપણ ફૂટી હતી તેને ફરી પાલર પાણીની જરૂરિયાત ઊભી થતાં હવે આ ઘાસની કૂંપણો
મૂરઝાવા લાગી છે, જે પોતાના પશુઓને ભૂખમરાથી રાહત થશે એવી આશા
જે માલધારીઓ સેવી રહ્યા હતા તે અરમાનો ફરી સુકાઇ રહેલાં ઘાસને જોઇને આ વર્ગના દુ:ખમાં
વધારો થાય છે. જો થોડાક સમયમાં મેઘમહેર નહીં થાય તો ઘાસ નામશેષ થઇ જશે તેવી ભીતિ વ્યકત
થઇ હતી.
તળાવડીઓ સુકાઇ
હવે જેવી રીતે ઘાસ સુકાઇ રહ્યું છે, એવું નાની-મોટી તળાવડીઓમાં પાલર પાણી પણ સુકાઇ
રહ્યું છે. હવે જો વરસાદને વિલંબ થાય તો પાણી માટે ગંભીર સંકટ ઊભું થશે. વરસાદની સાથે
વિવિધ ઝાડવાઓના - લીલોતરીનાં પાંદડાઓમાં ખૂબ વધારો થયો છે, જેથી
ઝીણું પશુધન ઘેટાં-બકરાને લીલોતરીનાં પાંદડાઓ અને કૂંપણો ખાઈ ભૂખમરાથી સંતોષ અનુભવે
છે. આ પશુઓને ખૂબ જ ચરિયાણ હાલે સીમાડાઓમાં ઉપલબ્ધ છે.
રામમોલ મૂરઝાય છે
ખેડૂતોએ વરસાદની સાથે ખેતરોમાં મોંઘા બિયારણો ખરીદી હળ જોતર્યાં
અને સારા એવા પ્રમાણમાં રામમોલનું પચ્છમમાં વાવેતર કરવામાં આવ્યું. હવે ઊગેલો આ રામમોલ
પાણી વિના મૂરઝાવા લાગ્યો છે. જો વરસાદ થોડાક સમયમાં નહીં થાય તો આ વાવેતર સંપૂર્ણ
નિષ્ફળ જશે, જેથી કરોડોની નુકસાની આ
વર્ગને થશે એવી ચિંતા વ્યાપી છે.
દૂધમાં વધારો
એકાદ મહિનાથી સારું ઘાસ ખાઇ પશુઓએ આંતરડી ઠારતાં દૂધમાં પણ સારા
પ્રમાણમાં વધારો થયો. માલધારી રાજી થયા પણ હવે ફરી ઘાસ સુકાવાથી પશુઓનું ચરિયાણ ઘટવા
લાગતાં વધેલું પશુઓમાં દૂધ ફરી ઘટતાં આ વર્ગની ચિંતામાં વધારો થયો છે.
અર્ધ અછતનાં મંડાણ
ભરચોમાસાની સિઝનમાં ફરી પાણીની વિકટ સમસ્યા અને ઘાસચારાની તંગી
માલધારીની નિંદર હરામ કરી દીધી છે. વાદળછાયાં વાતાવરણ અને સુસવાટા મારતા પવન અને વરસાદના
કોઇ અણસાર નજરે ન દેખાતાં અર્ધઅછતની સાથે સંપૂર્ણ અછતના ઓછાયા હેઠળ આ વર્ષ ભોગ બનશે
એની ચિંતા ચારેકોર માલધારીવર્ગમાં નજરે પડી રહી છે.
વાલીડા હવે તો વરસો
આભમાં આછાં વાદળોની હલન-ચલન,
ભરચોમાસાની સિઝનમાં ક્યાંય ખૂણે-ખાંચે વીજળીના ચમકારા જોવા મળતા નથી.
માલધારીઓ દરરોજ એકબીજાને પૂછે છે `ખેવણ કેડા ડેઠાં' અર્થાત વીજળી ક્યાંય જોઇ, પણ હવે સૌ ઇશ્વરને રીઝવવા માટે
પ્રાર્થનાઓ કરી રહ્યા છે કે, હવે વાલીડા વરસો નહીં તો માલ મરી
જશે, બસ હવે મેઘાના મંડાણ વેળાસર થાય એવી આભ સામે સૌની મીટ છે.
બસ ઇન્તજારની ઘડી ક્યારે પૂરી થાય છે...