ભુજ, તા. 20 : કચ્છની ઉત્તરે પાવરપટ્ટીના
પાલનપુર (બાડી) ગામમાં નવા કાર્યરત થયેલાં વીજમથકને વીજ પુરવઠો પૂરો પાડવા આ વીજમથકની
આજુબાજુના સર્વે નંબરોવાળી જમીનોના ખેડૂતોને મોટી રકમનાં વાર્ષિક ભાડા ચૂકવી ખાનગી
કંપની દ્વારા બિનખેતી થયા વિનાની જમીનો પર સોલાર પ્રોજેક્ટ સ્થાપી ગેરકાયદે કારોબાર
થતો હોવાનું જાણવા મળી રહ્યું છે, તો કેટલાક
કિસ્સામાં બિનખેતી મુદ્દે પ્રાંત કચેરી દ્વારા ખેડૂતોને દંડ પણ ફટકારાયો છે. જાણકાર
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પાવરપટ્ટીના પાલનપુર નજીક 765 કિલોવોટની ક્ષમતા ધરાવતો પાવરગ્રીડ
પ્રોજેકટ કાર્યરત છે, આ પ્રોજેકટ
માટે વીજ પુરવઠો પૂરો પાડવા એક ખાનગી કંપની દ્વારા નજીકનાં ગામડાંઓની ખેતી માટેની હજારો
એકર જમીન ખેડૂતો પાસેથી વાર્ષિક ભાડાપટ્ટે મેળવી તેના પર સોલાર પેનલો લગાડી દરરોજ હજારો
કિલોવોટ વીજ ઉત્પાદન કરી ઉપરોક્ત પાવરગ્રીડને વેચવામાં આવી રહ્યું છે. વાર્ષિક રૂા.
65થી 70 હજાર એક એકરે ભાડાપટ્ટે જમીનો મેળવાઈ આ પાવરગ્રીડને વીજ પુરવઠો
દૂરદૂરથી લઈ આવી પૂરો પાડવા ખાનગી કંપનીને મોટો ખર્ચ કરવો ન પડે તે માટે આ ખાનગી કંપનીએ
નજીકનાં ખેતરોની જમીનો મેળવી છે. વાર્ષિક રૂા. 65થી 70 હજાર એક એકરે
ભાડાપટ્ટે લેવાયેલી જમીનો 29 વર્ષ અને
11 મહિના માટે કરાર કરી લેવામાં
આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વચેટિયાઓ બે પાંદડે પણ થયા
જાણકારોને મતે આ વિસ્તારની જમીનો એકઠી કરવા અને બિનખેતી કરાવવા
ખાનગી કંપની દ્વારા સ્થાનિક કહેવાતા આગેવાનોને કામ સોંપ્યું હતું અને 20થી 25 ખેડૂતો પાસેથી હજારો એકર જમીન ભાડાપટ્ટે મેળવાઈ છે, જાણકારોના મતે ગામના કહેવાતા વચેટિયાઓ બે પાંદડે
પણ થઈ ગયા છે.
નોટિસો મળતાં જમીન માલિકો મૂંઝાયા
આ બાબતે ઝુરાના જાગૃત નાગરિક ગોડજી ખાનજી પીર દ્વારા આરટીઆઈ
કરી બિનખેતીની જમીનો શરતભંગ થઈ હોવાની ફરિયાદ મામલતદાર કક્ષાએ કરાઈ હતી, જેન પગલે
બહાર આવેલાં પ્રકરણ બાદ તંત્ર જાગ્યું હતું અને જિલ્લા કલેક્ટર અને નાયબ કલેક્ટર
દ્વારા નખત્રાણા મામલતદારને તપાસ કરવા હુકમ કર્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા નોટિસો
બહાર પાડવામાં આવતાં જમીન માલિકો મૂંઝાયા હતા અને સ્થાનિક આગેવાનો પાસે દોડી ગયા હતા.
નાણાંકીય વ્યવહારોનો આક્ષેપ
જો કે, કહેવાતા
આવા વચેટિયાઓ દ્વારા આ પ્રકરણ દબાવવા અનેક કોશિશ પણ કરવામાં આવી હતી અને નાણાંકીય વ્યવહારો
પણ કરાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
પ્રાંત કચેરી દ્વારા લાખોના દંડ
બીજીતરફ પાવરપટ્ટીના ભુજ તાલુકાના ઝુરાના 15 સર્વે નંબર અને નખત્રાણા તાલુકાના
ગામના પાંચ સર્વે નંબરની જમીનો ઉપરાંત લોરિયા જેવા ગામના કેટલાક સર્વે નંબરોના ખેડૂતોએ
ભાડાપટ્ટે જમીનો આપી દીધી છે, તે પૈકી
કેટલાક ખેડૂતોને પ્રાંત કચેરી દ્વારા લાખોના દંડ પણ કરાયા છે.
વારસદાર બહેનોનું પાકિસ્તાનમાં અવસાન
બિનખેતી અથવા તો ભાડાપટ્ટે અપાતી જમીનમાં દરેક વારસદારની સહમતીની
જરૂરી હોય છે, પરંતુ એક સર્વે નંબરનો
ઠામ એવો છે કે, જેના વારસદાર તરીકે બહેનો છે, જે પાકિસ્તાનમાં અવસાન પામી ગયાં છે. ખરેખર તો ખેતીની જમીનનો ખેતી સિવાય ઉપયોગ
કરવા અગાઉ બિનખેતી કરાવવી જરૂરી છે અન્યથા સરતભંગ લેખાય અને તેના માટે દંડ ભરવો પડે
છે. દરમ્યાન આ અંગે ભુજના તત્કાલિન પ્રાંત અધિકારી અનિલ જાદવનો સંપર્ક સાધતાં તેમણે
જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ખેતીની જમીનનો બિનખેતીમાં ઉપયોગ
કરવા બદલ ખેડૂતો પાસેથી 27 એકર પેટે
4,38,680નો દંડ ફટકારાયો છે.