• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

કચ્છ સરહદે હંમેશ માટે અંધારા ઉલેચાશે; 100 કરોડ ફાળવાયા

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 20 : ભારત-પાક વચ્ચેના તંગ માહોલ વચ્ચે કચ્છ સીમા પર મજબૂત પહેરો કરી દેવામાં આવ્યો છે ને દિવસ-રાત તૈનાત સીમા સુરક્ષા જળના જવાનોને રાતના સમયે સાતત્યપૂર્ણ વીજળી પુરવઠો આપવામાં થતી મુશ્કેલીનો અંત આવ્યો છે અને કચ્છ સરહદે પાઈલટ પ્રોજેક્ટરૂપે વીજરેષા પાથરવા ઉપયોગમાં લેવાયેલી ટેકનોલોજી ક્ષેત્રે સફળતા મળતાં હવે એલિવેટેડ કેબલ વડે બી.એસ.એફ.ની ચોકીઓને જોડવા પ્રથમ ફેઝ માટે રૂા. 100 કરોડ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. પાકિસ્તાનને અડીને આવેલી કચ્છની લાંબી સરહદનો રણ અને દરિયાઇ વિસ્તાર હોવાના કારણે ઓવરહેડ તથા ભૂગર્ભમાં પથરાતા વીજ વાયરો ક્ષાર લાગવાનાં કારણે જર્જરિત થઇ જતા હોવાથી વારંવાર વીજળી ગુલ થઇ જતી અને સળંગ પુરવઠો આપવામાં અત્યાર સુધી ખૂબ જ મુશ્કેલી થતી હતી.

ઇજનેરી કૌશલ્ય

કચ્છના પી.જી.વી.સી.એલ.ના ઇજનેરો પાસેથી સરકારે નવી ડિઝાઇન, ટેકનોલોજીનો હેવાલ આપવા જણાવ્યું ને કહ્યું કે, ક્ષાર ન લાગે અને વીજળી પુરવઠો સતત જળવાઇ રહે તેવું આયોજન કરવામાં આવે. કચ્છના ઇજનેરોની ટીમે પ્રયોગ હાથ ધર્યા ને ઓવરહેડ, અંડરગ્રાઉન્ડના બદલે નવતર એલિવેટેડ પદ્ધતિએ કેબલ પાથરવાની ડિઝાઇન બનાવીને ઉચ્ચ કક્ષાએથી પાઈલટ પ્રોજેક્ટના ધોરણે 10 કિ.મી. માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું. આ પાઈલટ પ્રોજેક્ટ માટે રૂા. 3.50 કરોડ ફાળવાયા હતા.

સંયુક્ત અભ્યાસ

કચ્છ સીમાએ બહારબેટ સીમા ચોકી સુધી અજવાળું પાથરવા માટે પી.જી.વી.સી.એલ. અને બી.એસ.એફ.ના અધિકારીઓની ટીમોએ સંયુક્ત અભ્યાસ કર્યો હતો કેમ કે જ્યાંથી આ પ્રકારની લાઇન લઇ જવી હોય તો ખારું પણ આવી શકતું હતું.

100 કરોડ

બંને દેશ વચ્ચેના ફેન્સિંગની સમાંતર એલિવેટેડ વીજલાઇન પાથરવાનું આયોજન ગોઠવાયું હતું જે લાઇનમાં છેલ્લા એક વર્ષથી મોટી સફળતા મળી છે અને ક્યાંય કોઇ ફોલ્ટ ન થતાં અંતે સરકારે રૂા. 100 કરોડ ફાળવ્યા છે.

શું કહે છે અધીક્ષક

પશ્ચિમ વિભાગ પી.જી.વી.સી.એલ.ના અધીક્ષક ઇજનેર જે. સી. ગોસ્વામીએ `કચ્છમિત્ર' સાથે વાત કરતાં જણાવ્યું કે, દેશમાં આ પ્રકારની વીજલાઇનમાં સફળતા મળી છે. જમીનથી દોઢ ફૂટ ઊંચા અડધા થાંભલા ઊભા કરવામાં આવ્યા છે. જમીનમાં ખાડા કરી સિમેન્ટ-કોંક્રિટથી મજબૂત કર્યા બાદ એ દોઢ ફૂટના થાંભલા પર શોર્ટપ્રૂફ પાઇપ પાથરી પાઇપ અંદરથી વીજરેષા પસાર કરવામાં આવે છે. ગોવાલ ચોકીથી બહારબેટ સીમા ચોકી સુધી 10 કિ.મી.માં આ પ્રકારની ડિઝાઇનથી વીજળી આપવામાં આવતાં એક વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો ને ક્ષતિરહિત વીજળી જળવાઇ રહેતાં એક પ્રકારે સફળતા મળી છે.

250 કિ.મી.નું આયોજન

વધુ માહિતી આપતાં શ્રી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાની સુઇ બોર્ડરથી કચ્છ સીમાએ હરામીનાળા સુધી 250 કિ.મી. આ પ્રકારે કેબલ પાથરવાનું આયોજન છે જેના ભાગરૂપે પ્રથમ તબક્કે 142 કિલોમીટર માટે રૂા. 100 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

25 ચોકી જોડાશે

સરહદી એટલે પ્રતિબંધિત વિસ્તાર હોવાથી તકેદારીનાં પગલાં લઇ ભુજ સર્કલ હેઠળ આવતી 16 બી.ઓ.પી. અને અંજાર સર્કલની 9 બી.ઓ.પી.ને વીજ જોડાણથી જોડવામાં આવશે. ભેડિયાબેટ ચોકી પાસેના સબસ્ટેશન ખાતેથી 16 ચોકીને જ્યારે 9 ચોકીને રાપર તરફ અંજારના જલોઇ સબસ્ટેશનમાંથી વીજળી આપવામાં આવશે. લખપતથી રાપર સુધીની કચ્છ સીમાની કુલ 58 ચોકી છે જેમાં પ્રથમ તબક્કે 25ને આવરી લેવામાં આવી છે. લખપત પાસેની જી-7 અને જી-13 ચોકીને પણ આ રીતે વીજળી આપવામાં આવશે એમ શ્રી ગોસ્વામીએ જણાવ્યું હતું. સરહદે અંધારાનો કાયમી ધોરણે અંત લાવી અજવાળા પાથરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ટેન્ડર બહાર પડયાં

રૂા. 100 કરોડ ફાળવાયા પછી કામ ક્યા તબક્કે છે આ મુદ્દે તેમણે જણાવ્યું કે, ખૂબ જ ઝડપી પ્રક્રિયા ચાલે છે અને ટેન્ડર પણ બહાર પડી ગયાં છે. પ્રથમ તબક્કાનું કામ તુરંતમાં શરૂ થઈ જશે.

જવાનો ખુશ

સીમાએ રખોપું કરતા બી.એસ.એફ.ના જવાનોને અત્યાર સુધી ક્યારેક ઝબૂક વેવથી અથવા જનરેટર આધારિત રહેવું પડતું હોવાથી ક્યારેક તો દિવસો સુધી અંધારામાં વીતાવવા પડતા હતા અને ક્યારેક તો મોબાઇલ પણ ચાર્જ થતા ન હતા. વળી રણ-દરિયાઇ વિસ્તાર હોવાના કારણે જવાનોએ કહ્યું કે, સાપ-વીંછી કરડવાના બનાવો વધી જતા હોય છે કેમ કે અંધારામાં આવા જીવ-જંતુ દેખાય નહીં એટલે ઝેરી જંતુ કરડવાના બનાવો વધી ગયા હતા, પરંતુ કાયમી ધોરણે હવે વીજળી મળતાં મોટી રાહત થશે.

Panchang

dd