નલિયા, તા. 18 : માંડવીથી નલિયાને જોડતા નેશનલ
હાઇ-વે પર અબડાસા તાલુકાનાં કોઠારા, વરાડિયા, તુતરા ચેકપોસ્ટ અને રેલડિયા-મંજલ પાટિયા પાસે
માર્ગ મકાન વિભાગ અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં
આવી હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગની બંને સાઇડ 15-15 મીટરની ત્રિજ્યામાં આવતાં કાચા-પાકા 69 જેટલાં દબાણ ઉપર તંત્રનું જેસીબી
ફરી વળ્યું હતું અને અંદાજે રૂા. 25,68,850ની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. વિગતો મુજબ
કોઠારા, વરાડિયા, તુતરા ચેકપોસ્ટ
અને રેલડિયા-મંજલ પાટિયા એમ ચાર સ્થળે કુલ 69 જેટલા ગેરકાયદેસર ઓટા, પતરાંના શેડ અને કેબિનો વગેરેને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યાં હતાં.
જો કે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં
હાઇ-વે પર હજુ પણ મોટાપાયે પાકા દબાણો ખડકાયેલાં હોવા છતાં, તંત્રએ
માત્ર 15 મીટરની હદ નક્કી કરીને આગળનાં
પતરાંના શેડ અને લોખંડના એન્ગલો જ હટાવ્યા હતા. મુખ્ય અને મોટા દબાણોને આંચ પણ ન આવતા
વેપારીઓ અને ગ્રામજનોમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે, તંત્રએ માત્ર ઉચ્ચ અધિકારીઓને કામગીરી બતાવવા
અને ફોટોગ્રાફ્સ પડાવવા પૂરતી જ આ તજવીજ કરી છે, જ્યારે વાસ્તવિક
સમસ્યા હજુ પણ યથાવત્ છે. ઉલ્લેખનીય છે કે,
દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો
ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઓપરેશનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ
(માંડવી)ના અધિકારી સૌરભ પટેલ, કોઠારા પોલીસ સ્ટેશનના પી.આઈ.
પી. કે. રાડા તેમજ જખૌ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર. જે. ગોહિલ સ્ટાફ સાથે જોડાયા હતા.