ભુજ, તા. 11 : ક્રાંતિગુરુ શ્યામજી
કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અને તેના સંશોધકોના પ્રયાસોએ ખાદ્ય ઉદ્યોગમાં એક નવું
સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. યુનિવર્સિટીએ `એ
ફોર્મ્યુલેશન ઓફ પ્યુરિફાઇડ સ્ટીવિયોલ ગ્લાયકોસાઇડ એઝ નેચરલ સ્વીટનર' (શુદ્ધ સ્ટીવિયોલ ગ્લાયકોસાઇડ આધારિત
કુદરતી સ્વીટનરનું ફોર્મ્યુલેશન) માટે ભારતીય પેટન્ટ મેળવી છે. આ શોધ સ્ટીવિયા રેબાઉડિયાના
બર્ટોની છોડના પાંદડામાંથી મળતા સ્ટીવિયોલ ગ્લાયકોસાઇડસને શુદ્ધ સ્વરૂપમાં રજૂ કરે
છે. સ્ટીવિયા એ એસ્ટેરેસી કુળનો એક બારમાસી છોડ છે. જેનાં પાંદડામાં કુદરતી રીતે ગળપણ આપનારા તત્ત્વો એકઠા થાય છે. વૈશ્વિક કુદરતી
ગળપણ બજાર કદ આશરે 31.5 અબજ ડોલર હોવાના અંદાજ
છે, જે 2032 સુધીમાં 48.4 અબજ
ડોલર સુધી પહોંચવાની ધારણા છે. વૈશ્વિક સ્ટીવિયા બજારનું મૂલ્ય આશરે 0.9-1.0 અબજ ડોલર હોવાનો અંદાજ છે અને 2030 સુધીમાં તે 10-12 ટકાના
દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. ભારતમાં પણ સ્ટીવિયા બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે.
2025માં ભારતીય સ્ટીવિયા બજારનું કદ આશરે 7.8 કરોડ ડોલર હોવાનો અંદાજ છે, જે 2034 સુધીમાં 13.46 કરોડ
ડોલર (લગભગ 1120 કરોડ રૂપિયા) થાય તેવી ધારણા છે. કચ્છ યુનિવર્સિટીની
આ શોધ ભારતને આ વધતા બજારમાં સ્વદેશી ટેક્નોલોજી અને ઉત્પાદન સાથે મજબૂત સ્થાન આપી
શકે છે. સ્ટીવિયોલ ગ્લાયકોસાઇડસ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ ફાયદાકારક છે. આ ક્ષેત્રમાં
પહેલેથી જ અનેક પેટન્ટ થઇ ચૂકી છે,
જે આ દિશામાં વૈજ્ઞાનિક સંશોધનની તીવ્રતા દર્શાવે છે. આ પેટન્ટમાં દર્શાવેલ
ફોર્મ્યુલેશનમાં સ્ટીવિયા રેબાઉડિયાના છોડમાંથી મેળવેલા શુદ્ધ સ્ટીવિયોલ ગ્લાયકોસાઇડના
જલીય અર્ક અને અન્ય ઉત્તેજક તત્ત્વોનો સમાવેશ થાય છે. આ ફોર્મ્યુલેશનની તૈયારીની પ્રક્રિયા
પણ પેટન્ટનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
આ શોધ અનેક રીતે મહત્ત્વની
આજના યુગમાં ડાયાબિટીસ, મેદસ્વિપણા અને હાઇબ્લડ પ્રેશર જેવી
બીમારીઓ વધી રહી છે. કૃત્રિમ ગળપણના સ્વાસ્થ્ય પર થતી પ્રતિકૂળ અસરો વિશે પણ વિજ્ઞાન
સતત ચેતવણી આપે છે. આવા સંજોગોમાં, કુદરતી, શૂન્ય-કેલરી અને સ્વાસ્થ્યવર્ધક ગળપણની માંગ સતત વધી રહી છે. સ્ટીવિયોલ ગ્લાયકોસાઇડસ
અનેક સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ ધરાવે છે. તે લોહીમાં શુગરનું સ્તર વધાર્યા વિના મીઠાશ
આપે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન છે. આ પેટન્ટ
માટેનું સંશોધન કાર્ય ડો. વિજયરામ રસાયન શાત્ર ભવનના એસોસીએટના માર્ગદર્શનમાં બિજલ
એમ. શુક્લ, નિખિલ પ્રજાપતિ, ભરત લોણિયા
દ્વારા સંયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. સોમિયા અનમ દ્વારા સંશોધન માટે જરૂરી
સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે, કુદરતી
સ્રોતોમાંથી આરોગ્યપ્રદ અને સુરક્ષિત વિકલ્પો વિકસાવવાના હેતુથી આ સંશોધન હાથ ધરવામાં
આવ્યું હતું. આ પેટન્ટ હાલમાં પરીક્ષણની રાહ જોઇ રહી છે. એકવાર તેને અંતિમ મંજૂરી મળી
જાય, પછી આ ટેક્નોલોજીને વ્યાપારી સ્વરૂપ આપી શકાશે. આનાથી ખાંડના
વિકલ્પ તરીકે એક સ્વસ્થ, કુદરતી અને સસ્તું ઉત્પાદન બજારમાં આવી
શકે છે. કચ્છ યુનિવર્સિટીની આ શોધ માત્ર યુનિવર્સિટી માટે જ નહીં, પરંતુ `આત્મનિર્ભર ભારત'ના સપનાને સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ ઉપયોગી સંશોધન
કરવા બદલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર ડો. મોહન પટેલ અને રજિસ્ટ્રાર ડો. અનિલ ગોરે
અભિનંદન પાઠવ્યા હતા.