• મંગળવાર, 23 જૂન, 2026

કોઠારા પી.જી.વી.સી.એલ : `અંધેર નગરી'માં લાંચિયારાજ !

નલિયા, તા 22 : અબડાસાના કોઠારા પંથકમાં વીજળી પુરવઠાનું સંચાલન કરતી પીજીવીસીએલ કચેરી જાણે વહીવટી લકવાગ્રસ્ત બની હોય તેવો ઘાટ સર્જાયો છે. છેલ્લા છ મહિનાથી ખેડૂતો સહિત હજારો વીજગ્રાહકો નવાં વીજજોડાણો, ફોલ્ટ રિપારિંગ અને અન્ય વહીવટી કામો માટે કચેરીના અવારનવાર ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમનાં કામોનો કોઈ ઉકેલ આવતો નથી. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, સ્થાનિકો દ્વારા તો `પૈસા આપે તો જ કામ થાય' તેવા ગંભીર આક્ષેપો ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યા છે, જે તંત્રની નિક્રિયતા અને ભ્રષ્ટ્રાચાર સામે સવાલો ઊભા કરે છે. આ મામલો સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

ગ્રાહકો રામભરોસે !

કોઠારા પીજીવીસીએલ કચેરીમાં ઉચ્ચ અધિકારીઓની બેફામ ગેરહાજરીએ પરિસ્થિતિને વધુ વણસાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કચેરીના નાયબ એન્જિનીયર મોટાભાગે ગેરહાજર રહે છે, જેના કારણે નિર્ણાયક કામગીરી ખોરંભે ચડી છે. તાજેતરમાં તો આઠ દિવસ સુધી કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી 87 જેટલાં ગામ અને અબડાસા તાલુકાના વિશાળ વિસ્તારના હજારો વીજગ્રાહકોની ફરિયાદો અને અરજીઓનો નિકાલ થઈ શક્યો નહોતો. આટલો મોટો વિસ્તાર, 85 ફીડર અને નવ સબસ્ટેશન ધરાવતી કચેરી ઉચ્ચ અધિકારી વિના કેવી રીતે ચાલે તે એક મોટો પ્રશ્ન છે. આ સ્થિતિ સ્થાનિક ગ્રાહકો માટે અસહ્ય બની છે અને તેમને નાછૂટકે હેરાનગતિનો ભોગ બનવું પડી રહ્યું છે.

ભ્રષ્ટ્રાચારના આક્ષેપો

કોઠારાના વીજગ્રાહકો દ્વારા પીજીવીસીએલ કચેરીમાં વ્યાપક ભ્રષ્ટ્રાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે, જો અધિકારીઓને `ખુશ' કરવામાં આવે, તો તેમનાં કામ તત્કાળ કરી દેવામાં આવે છે, પરંતુ જે અરજદારો નિયમાનુસાર અને પારદર્શક રીતે કામ કરાવવા માગે છે, તેમને મહિનાઓ સુધી ઓફિસના ધક્કા ખવડાવવામાં આવે છે અને અંતે તેમનાં કામ થતાં નથી. `અમારા ચંપલ ઘસાઈ ગયા છે, પણ  કામ નથી થતાં,' તેમ એક ખેડૂતે રોષભેર જણાવ્યું હતું. આ પ્રકારના આક્ષેપો સરકારી કચેરીની કાર્યપ્રણાલી અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઊભા કરે છે.

 ખેડૂતોના માથે વીજસંકટ!

કચેરીમાં સ્ટાફની તીવ્ર અછત પણ સમસ્યાનું મૂળ કારણ છે. ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ અને પટાવાળા જેવી અગત્યની જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી હોવાથી વર્તમાન સ્ટાફ પર કામનું ભારણ અસહ્ય બન્યું છે. વધુમાં, ચોમાસાંની ઋતુ માથાં પર હોવા છતાં વીજલાઈનો અને ફીડરના મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવ્યું નથી. આ વિસ્તારમાં ખેતીવાડીના ફીડર મોટાભાગે ઓવરલોડ રહે છે અને વારંવાર ફોલ્ટ સર્જાય છે. ચોમાસાંમાં વીજળી પડવી, વાવાઝોડાં કે ભારે વરસાદને કારણે વીજલાઈનો તૂટવી જેવી ઘટનાઓ સામાન્ય બનતી હોય છે. આવા સંજોગોમાં, જો સમયસર મેન્ટેનન્સ ન થાય, તો ખેડૂતોને સિંચાઈ અને અન્ય કાર્યો માટે વીજળી વિના વલખાં મારવા પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે. નવા સબસ્ટેશનો બનાવવાની પણ તાતી જરૂરિયાત છે, જેના પર તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાઈ રહ્યું નથી.

એન્જિનીયર ચાર્જમાં

આ તમામ ફરિયાદો અને વ્યાપક રોષ વચ્ચે હવે નખત્રાણાથી નાયબ એન્જિનીયર સી. એસ. પરમારને કોઠારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેમણે પદભાર સંભાળતાંની સાથે જ જણાવ્યું હતું કે, `જે કંઈ કામ અધૂરાં છે, તે જલ્દીથી પૂરાં કરવામાં આવશે.' તેમના આ આશ્વાસનથી ગ્રાહકોમાં આશાનું એક નવું કિરણ જાગ્યું છે, પરંતુ જોવાનું એ રહેશે કે, શું આ માત્ર મૌખિક આશ્વાસન બની રહેશે કે પછી ખરેખર કોઠારા પીજીવીસીએલની કાર્યપ્રણાલીમાં સુધારાનો સૂર્ય ઊગશે ? સ્થાનિકો અને ખેડૂતો હવે તંત્ર પાસેથી માત્ર વચનો નહીં, પરંતુ નક્કર કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે. આ મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદારો સામે પગલાં લેવાય અને પીજીવીસીએલની સેવાઓમાં પારદર્શિતા લાવવામાં આવે તેવી જનતાની માંગ છે.

Panchang

dd