ભુજ, તા. 22 : સૃજન સંસ્થા દ્વારા
સંચાલિત લાવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર (LLDC)-અજરખપુર ખાતે, `િવશ્વ સંગીત દિવસ' નિમિત્તે નવી `મ્યુઝિક ગેલેરી'નું લોકાર્પણ કરવામાં આવ્યું. કચ્છની ભાતીગળ લોકસંસ્કૃતિના
અભિન્ન અંગ સમા સમૃદ્ધ અને સૂરીલા લોકસંગીત વારસાને સમર્પિત આ મ્યુઝિક ગેલેરી ગુજરાતની
સંભવત: પ્રથમ એવી ગેલેરી છે, જે આધુનિક ટેક્નોલોજીથી સંપૂર્ણ
સુસજ્જ અને સંપૂર્ણપણે લોકસંગીતને સમર્પિત છે ! લોકાર્પણ સમારોહમાં કચ્છના અગ્રણી લોકગાયકો,
વાદકો, સંગીતકારો, સાંસ્કૃતિક
ક્ષેત્રના અગ્રણીઓ, સંગીતરસિકો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં લોકસંગીતના માસ્ટર કલાકાર ગની કાદર લંઘા (ગની ઉસ્તાદ)
અને તેમના કલાકારો દ્વારા ઢોલ, નગારા અને શહેનાઈના સુમધુર લોક
શાત્રીય દ્વારા આવકાર આપાયો હતો. લોકગાયક અને આ ક્ષેત્રના નિષ્ણાત એવા લાલભાઈ રાંભિયા,
કચ્છ લોકસંગીતના એનસાયક્લોપીડિયા સમાન અને સિનિયર લોકકલાકાર ગની કાદર
લંઘા, સૃજન-એલ.એલ.ડી.સી.ના ચેરમેન દીપેશભાઈ શ્રોફ, મેનાજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ, સી.ઇ.ઓ. રાજીવભાઈ ભટ્ટ,
ઉમેશ જડિયા, મઝહરુદ્દીન મુતવા, VRTIના કવિભાઈ, સ્મૃતિવનના મનોજ પાંડે, જાણીતા સંગીતકાર કીર્તિભાઈ વરસાણી, પ્રસિદ્ધ લોકગાયક
અનિરુદ્ધ આહીર અને નંદલાલ છાંગા, સિનિયર કારીગર સરિયાબેન માતા,
લક્ષ્મીબેન, ઝવેરીલાલ સોનેજી, રસિક મકવાણા, કલાધર મુતવા તથા સિનિયર કારીગર અને કલાકાર
મામુદ મુતવાએ દીપ પ્રાગટયા કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં
પોતાના પ્રારંભિક ઉદ્બોધનમાં ગેલેરીના સલાહકાર અને કચ્છના અગ્રણી લોકસાહિત્યકાર લાલભાઈ
રાંભિયાએ જણાવ્યું હતું કે, કચ્છની મૂળભૂત ઓળખ તેની હસ્તકળા અને
લોકસંગીતમાં સમાયેલી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ગેલેરી ઘણા
સંવાદો, સંશોધનો અને ઝીણવટભર્યાં આયોજનથી અત્યંત આધુનિક ઢબે ટેકનોલોજીનો
સમુચિત ઉપયોગ કરી ઊભી કરવામાં આવી છે. ગેલેરીના ક્યુરેટર અભિષેક રેએ જણાવ્યું હતું
કે, મ્યુઝિક ગેલેરીની આ યાત્રા બે વર્ષના સતત સંશોધન,
દસ્તાવેજીકરણ અને સર્જનાત્મક આયોજનનું પરિણામ છે. સંસ્થાના મેનાજિંગ
ટ્રસ્ટી અમી શ્રોફે આ પ્રસંગે જણાવ્યું હતું કે, એલ.એલ.ડી.સી.
ખાતે દર વર્ષે યોજાતા વિન્ટર ફેસ્ટિવલ દરમિયાન કચ્છના લોકસંગીત અને કલાકારોને રજૂ કરવામાં
આવે છે, પરંતુ આ અમૂલ્ય સંગીત વારસાને વર્ષભર અનુભવવા માટે એક
કાયમી સ્થાનની જરૂરિયાત અનુભવાતી હતી. ભવિષ્યમાં કચ્છના નવા અને ઊભરતા સંગીતકારોને
પણ આ ગેલેરીમાં સ્થાન મળશે અને આ ગેલેરી તેમના માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે. એલ.એલ.ડી.સી.ના
સી.ઈ.ઓ. રાજીવ ભટ્ટે ગેલેરીનાં નિર્માણમાં જોડાયેલા તમામ સલાહકારો, કલાકારો, સંશોધકો અને એલ.એલ.ડી.સી.-સૃજનની ટીમનો આભાર
વ્યક્ત કર્યો હતો. ગેલેરીની પરિકલ્પના અને સંકલ્પનાને ખૂબ જ ટૂંકા ગાળામાં મહેનત,
લગન, ઉત્સાહ અને ટીમવર્ક સાથે પૂર્ણ કરનાર સલાહકાર
સમિતિના સદસ્યો, કલાકારો - કારીગરો, એજન્સીઓના
પ્રતિનિધિઓ વગેરેનું સૃજનની અનન્ય એમ્બ્રોઇડરીની યાદગાર પ્રતિકૃતિ મોમેન્ટો સ્વરૂપે
આપી તેમનું અભિવાદન - સન્માન કરાયું હતું. આ શુભ પ્રસંગે દીપ પ્રાગટ્ય અને ગેલેરી રિબિન
ઓપાનિંગમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો ઉપરાંત ચૈતન્ય શ્રોફ, વિરેન
શાહ, ખુશાલભાઈ ભાનાની, હરીશ હુરમાડે,
કમલેશ સોલંકી, શામજી વિશ્રામ વણકર, અબ્દુલ જબ્બાર ને અબ્દુલ્લાહ ખત્રી બંધુ, રુચિર સોમેશ્વર,
નવીનભાઈ સોની, બિપિનભાઈ સોની, કશ્યપ સોની, નરેશ અંતાણી, વિપુલ
મહેતા, પ્રગતિ મહેતા, પંકજ ઝાલા,
કલ્પના શાહ, અર્ચના સોલંકી સહિત અનેક મહાનુભાવો,
સંગીત કલારસિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યોજાયેલ લોકસંગીત સંધ્યા
કાર્યક્રમમાં મઝહરુદ્દીન મુતવા, ફકીરા ઉસ્તાદ અને કલાકારોએ કચ્છી-
સિંધી કાફીઓ અને ભેથ-વાઈને આવરી લેતી સૂફી સંત શાહ અબ્દુલ લતીફ ભીટાઈની રચનાઓ ગાઈ સંગીતપ્રેમીઓને
મંત્રમુગ્ધ કર્યા હતા ! સમગ્ર આયોજન ઈવેન્ટ હેડ મહેશ ગોસ્વામીએ સંભાળ્યું હતું. એલ.એલ.ડી.સી.
મ્યુઝિક ગેલેરી 23 જૂન, 2026 ને
મંગળવારથી જાહેર જનતા માટે ખુલ્લી રહેશે. મુલાકાતનો સમય દરરોજ સવારે 9:30થી સાંજે 6:00 વાગ્યા
સુધીનો રહેશે.