ભુજ, તા. 15 : મહત્તમ તાપમાનમાં સરેરાશ
ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થતાં આકરા તાપના પ્રભાવમાંથી આંશિક રાહત મળી છે, પણ ભેજનાં
ઊંચાં પ્રમાણના કારણે ઉકળાટથી જનજીવન અકળાયેલું જોવા મળ્યું છે. હવામાન વિભાગે બે દિવસ
માટે યલોએલર્ટ જારી કરી ગરમીનો દોર યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. કંડલા (એ.)ને
આવરી લેતા અંજાર-ગાંધીધામ વિસ્તારમાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રીથી નીચે ઊતરી 40.2 ડિગ્રીએ પહોંચ્યું હતું,
તો જિલ્લા મથક ભુજમાં અઢી ડિગ્રીના ઘટાડા સાથે 38 ડિગ્રીએ પહોંચ્યું હતું. કંડલા પોર્ટમાં 36.5 અને નલિયામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જિલ્લામાં સરેરાશ 12થી 15 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા
પવને બપોરના સમયે લૂની અનુભૂતિ કરાવી હતી. ભેજનું પ્રમાણ ખાસ કરીને સવારના ભાગે 70થી 80 ટકા જેટલું ઊંચું નોંધાતાં તાપમાંથી ભલે થોડી રાહત મળી હોય,
પણ ઉકળાટના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ આકુળ-વ્યાકુળ થતા જોવા મળ્યા હતા. લઘુતમ પારો
26થી 28 ડિગ્રીની આસપાસ રહેતાં રાત્રે શીતળતાનો અનુભવ થયો હતો. મોડી
સાંજ બાદ પવનમાં થોડી ઠંડક જોવા મળતાં ઉકળાટથી ત્રસ્ત લોકો ટાઢક મેળવવા માટે ટહેલવા
નીકળેલા જોવા મળ્યા હતા. હવામાન નિષ્ણાતોના મતે કેરળમાં ચોમાસાંનું આગમન નિયત સમયથી
વહેલું થશે, ત્યારે મેના અંતિમ સપ્તાહમાં કચ્છ-ગુજરાતમાં પ્રિ-મોન્સૂન ગતિવિધિ શરૂ
થાય તેવા સંકેતો મળ્યા છે. આ વખતે કચ્છ-ગુજરાતમાં પાછોતરા વરસાદનું જોર રહે તેવી શક્યતાઓ
પણ હવામાન નિષ્ણાતો દેખાડી રહ્યા છે.