માંડવી, તા. 15 : અહીં નગરપાલિકા વોર્ડ નં.એકમાં
સુમતિનાથ કોમ્પ્લક્સથી પીજીવીસીએલ થઈ માંડવી-નલિયા મેઈન રોડવાળો માર્ગ છેલ્લા ત્રણ
માસથી તોડી નવો બનાવવાની કામગીરી શરૂ ન થતાં રાહદારો તથા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી
પડે છે. અંદાજે એક કિલોમીટરના ઈન્ટરલોકથી બનેલા આ માર્ગને આઠ માસ અગાઉ ગટર લાઈન નાખવા
200 મીટર તોડવામાં આવ્યો હતો.
ગટરલાઈન, પાણીની લાઈન, ઈલેક્ટ્રિસિટી લાઈન વિ. તથા ખોદકામ કરી છેલ્લા ત્રણ માસથી વધુ
સમય થયો હોવા છતાં નવો રોડ બનાવવાની કામગીરી શરૂ ન થતાં ધવલનગર એકથી ચાર, સંસ્કાર નગર,
એકતા નગર સહિત અનેક સોસાયટીઓના રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તથા અવારનવાર
અનેક વાહનો ફસાતાં દુર્ઘટના થવાની ભીતિ સર્જાઈ છે. આ અંગે આસપાસની સોસાયટીના રહેવાસીઓ
દ્વારા નગર સેવા સદનના ચીફ ઓફીસરને લેખિત રજૂઆત કરી અટકેલાં કાર્યની તપાસ કરવા તથા
કોન્ટ્રાકટર સામે પગલાં ભરવા માંગ કરાઈ હતી.