ભુજ, તા. 15 : આગામી 20 મે, 2026ના દેશભરના 12.40 લાખથી વધુ કેમિસ્ટ અને વિતરકો
દ્વારા ગેરકાયદેસર ઇ-ફાર્મસી, ઓનલાઇન દવાઓનું વેચાણ, ભારે ડિસ્કાઉન્ટ તેમજ નિયમ ભંગ
સહિતના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરાશે. આ અન્વયે 24 કલાક રાષ્ટ્રવ્યાપી બંધ
(હડતાળ)નું એલાન કરાયું છે, જેમાં કચ્છના 1500 જેટલા દવાના વેપારીઓ અને વિતરકો પણ જોડાશે. આજે ભુજ ખાતે પત્રકાર
પરિષદમાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સને કચ્છ જિલ્લા કેમિસ્ટ
એસોસિયેશન સંપૂર્ણ ટેકો આપે છે અને સમર્થન જાહેર કરે છે તેવું જણાવી આ બંધમાં કચ્છના
1500 જેટલા કેમિસ્ટ મિત્રો જોડાશે,
જે અંગે વિગતવાર માહિતી અપાઇ હતી. અગાઉ આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલય, વડાપ્રધાન કાર્યાલય
સુધી રજૂઆતો કરાઇ હોવા છતાં કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી રાષ્ટ્રવ્યાપી
બંધનું પગલું લેવાની ફરજ પડી હોવાનું જણાવી આ અંગે આવેદનપત્ર પણ અપાયું હોવાની વિગતો
અપાઇ હતી. કચ્છ કેમિસ્ટ કાઉન્સિલના પ્રમુખ મિતેશભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, કોવિડ-19 દરમ્યાન કટોકટીના સમયે લાગુ
કરાયેલા ઇ-ફાર્મસી દ્વારા ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ હેઠળના નિયમોનું પાલન કરાતું ન
હોવાથી ગેરકાયદેસર ગણાવતાં યોગ્ય નિયંત્રણ વગર ઓનલાઇન દવાઓનાં વેચાણને કારણે સામાન્ય
લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું ઉમેર્યું હતું. તા. 20 મે, 2026ના એક દિવસીય રાષ્ટ્રવ્યાપી
બંધમાં જોડાઇ ઓનલાઇન કેમિસ્ટ બંધ કરવા (ભાવ નિયંત્રણ અને પારદર્શિતા જનઆરોગ્ય સુરક્ષાને
ધ્યાને લઇને) ઈ-ફાર્મસીને પ્રોત્સાહન આપતું નોટિફિકેશન તાત્કાલિક રદ કરવા માંગ કરાશે,
તેવું જણાવાયું હતું. નાના કેમિસ્ટનું અસ્તિત્વ જોખમમાં આવ્યું હોવાનું પણ ઉમેરાયું
હતું. લોકોને પણ સાથ-સહકાર માટે અપીલ કરાઇ હતી તેમજ જો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં
અનિશ્ચિતકાળ સુધી બંધની શક્યતા વ્યક્ત કરાઇ હતી. મંત્રી મયૂરભાઇ શાહ, ખજાનચી સચિનભાઇ
વોરા, ઉપપ્રમુખ નીતિનભાઇ ચંદન, જનરલ સેક્રેટરી યશેશભાઇ ડોડિયા વિ. ઉપસ્થિત રહ્યા હતા.
હડતાળને કારણે દર્દીઓને તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે તાલુકા-જિલ્લા લેવલે ભુજ,
અંજાર, રાપર, મુંદરા સહિતનાં સ્થળોએ બે-બે કેમિસ્ટ સ્ટોર ખુલ્લા રાખવામાં આવશે તેવી
વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ હોવાનું જણાવ્યું હતું.