મુંદરા, તા. 15 : ગઈકાલે અમદાવાદથી નાર્કોટિક્સ
કંટ્રોલ બ્યૂરો કચેરીની અચાનક મુંદરા ધસી આવેલી ટીમે અહીંના સીએફએસ વિસ્તારમાંથી ડ્રગ્સના
જથ્થાને ઝડપવાની બનેલી ઘટનાથી ફરી એકવાર દેશમાં ડ્રગ્સની હેરાફેરી હજુ અવિરત હોવાનો
ગંભીર મામલો સપાટી પર આવ્યો છે અને દેશભરની વિવિધ ટોચની સુરક્ષા અને તપાસ એજન્સીઓ આજના
અહેવાલ બાદ ચોંકી ઊઠી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેની દિવસભર રાહ જોવાઈ હતી
એ સત્તાવાર યાદી તો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા કે અન્ય એજન્સીઓ દ્વારા
બહાર પડાઈ નહોતી, પરંતુ તપાસ સંબંધિત કેટલાંક સૂત્રોએ આજે જણાવ્યું હતું કે, ગઈકાલના
અંદાજ મુજબ ડ્રગ્સનો 140 કિલો જથ્થો
નહીં, પણ લગભગ 207 કિલોનો જથ્થો છે અને ઝડપાયેલું
આ ડ્રગ્સ એ `કેપ્ટાગોન' પ્રકારનું હોવાનું કહેવાય છે. નવ કિલોનું એક પેકેટ એવાં કુલ 23 પેકેટને ગણતાં લગભગ 207 કિલો પેકેટ નીકળી પડયાં હતાં,
જેની કુલ કિંમત લગભગ 155 કરોડ જેવી
થાય છે. જો કે, સત્તાવાર યાદી બાકી છે અને ગઈકાલનો 140 કિલ્લોનો જ જથ્થો યથાવત્ હોવાનો પણ અન્ય અધિકારીઓ દાવો કરે છે. બીજીબાજુ, અમારા પોર્ટ પ્રતિનિધિના વિશ્વસનીય સૂત્રોને
ટાંકીને વધુમાં અહેવાલ મુજબ, ગઈકાલે મુંદરાના સ્થાનિક આયાતકાર હોવાનું પ્રાથમિક તબક્કે
સપાટી પર આવ્યું હતું, પણ ઝડપાયેલાએ પણ દિલ્હી
કે બહારની કંપની જ પડદા પાછળ હોવાની કેફિયત આપી હતી. વળી આ જથ્થો સીરિયાના લટાકિયા
પોર્ટથી આવ્યો હોવાનોય ખુલાસો થયો છે, જે 8 તારીખે મુંદરા આવ્યો હતો અને એમઆઈસીટીનાં ટર્મિનલ પર ઊતર્યા
બાદ 9 તારીખે ટ્રાન્સવર્લ્ડ સીએફએસમાં ગયો હતો.
ગઈકાલની ઘટનાની વિગતો કચ્છમિત્રમાં પ્રસિદ્ધ થયા બાદ તેનો પડઘો રાષ્ટ્રીય સ્તર સુધી
પડયો હતો અને એનઆઈએ, એનસીબી, ડીઆરઆઈ, એફએસએલ સહિતની એજન્સીઓ પણ તપાસમાં જોડાતી હોવાની
વિગતો બહાર આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મુંદરામાં એમ.ડી. ડ્રગ્સ પણ એકવાર
પકડાઈ ચૂક્યું છે, ત્યારે હવે આ એજન્સીઓ ઊંડી તપાસ કરવા માટે સજ્જ બની છે.