• શનિવાર, 16 મે, 2026

દાઝ્યા પર ડામ; ઈંધણ લિટરે રૂા. ત્રણ મોંઘું થયું

નવી દિલ્હી, તા. 15 :  ભારત દેશમાં સામાન્ય માણસનાં માંથાંના દુ:ખાવામાં વધારો કરતાં દૂધ અને સીએનજીમાં બે રૂપિયાનો વધારો કરવા સાથે શુક્રવારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ત્રણ-ત્રણ રૂપિયાનો વધારો ઝીંકી દીધો હતો. આમ, છેલ્લા 48 કલાકમાં મોંઘવારીએ ચોમેરથી આક્રમણ કર્યું છે. કોંગ્રેસ સહિત વિપક્ષોએ મોંઘવારીની આ સ્થિતિ સર્જાવા માટે મોદી સરકારને જવાબદાર લેખાવી હતી. સરકારે વળતી દલીલમાં કહ્યું હતું કે, અન્ય દેશો કરતાં ઓછા ભાવ વધ્યા છે. લગભગ બે વર્ષે પશ્ચિમ એશિયા સંઘર્ષે સર્જેલી તાણથી પેદા થયેલાં ઊર્જા સંકટની અસર હેઠળ આ વધારો કરવો પડયો છે, તેવું સરકારે કહ્યું હતું. જો કે, ક્રૂડતેલની કિંમત આજે 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે, પરંતુ 70 ડોલર કિંમત હતી, તે વખતે પેટ્રોલ - ડીઝલના ભાવ ઓછા કેમ કરાયા નહોતા, તેવો સવાલ દેશની જનતામાંથી ચર્ચાભેર ઊઠી રહ્યો છે. ઈંધણ ભાવમાં ભડકા બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 97.77 રૂપિયા પ્રતિ લિટર ભાવે મળશે, તો એક લિટર ડીઝલ માટે 90.67 રૂપિયા ખર્ચવા પડશે. `સરકારી' દાવા મુજબ, તેલ કંપનીઓને હજુ પણ પેટ્રોલ - ડીઝલનાં વેચાણ પર લિટરે 25થી 30 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ઈંધણ ભાવો વધતાં સામાન્ય જણ અને રસોડા સુધી આ ભડકાની આગ ફેલાશે. ટ્રક, ટેમ્પો જેવાં માલવાહક વાહનોનાં ભાડાં વધવાથી અન્ય રાજ્યોમાંથી આવતાં ફળ, શાકભાજી, અનાજ પણ મોંઘાં થઈ શકે છે. ખેતીમાં ખર્ચ પણ વધશે. ટ્રેક્ટર, પમ્પિંગ સેટ ચલાવવાના ખેડૂતોના ખર્ચ વધવાથી અનાજો પકવવાનો ખર્ચ વધશે. બસ, રિક્ષા જેવાં જાહેર પરિવહનનાં સાધનોનાં ભાડાં પણ વધી શકે છે. દેશનાં કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ જેવાં મહાનગરોમાં તો બન્ને જીવનજરૂરી ઈંધણોના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. દરમ્યાન, પેટ્રોલિયમ મંત્રાલયનાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે, તેલ કંપનીઓને પેટ્રોલ, ડીઝલ, એલપીજીનાં વેચાણ પર લગભગ 30 હજાર કરોડ રૂપિયાનું નુકસાન દર મહિને થઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો માર્ચ 2024થી સ્થિર હતી. લોકસભા ચૂંટણીથી બરાબર પહેલાં બે રૂપિયા ઘટાડી સરકારે જનતાને રાહત આપી હતી. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થવાથી પહેલાં ક્રૂડતેલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ હતી, જે હવે વધીને પ્રતિ બેરલ 100 ડોલરને પાર પહોંચી ગઈ છે. ક્રૂડતેલની કિંમતો વધતાં ઓઈલ કંપનીઓ દબાણમાં હતી અને નુકસાનની ભરપાઈ કરવા ભાવવધારાનો નિર્ણય લેવો પડયો છે, તેવો તર્ક સરકારે આપ્યો હતો. -  

Panchang

dd