• શનિવાર, 16 મે, 2026

છ વર્ષ જૂના પાણીચોરીના કેસમાં આરોપીઓ નિર્દોષ

ભુજ, તા. 15 : છ વર્ષ પહેલાં બન્ની વિસ્તારમાં થતી પાણીચોરીને લઇને ફરિયાદો નોંધાઇ હતી, જેમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. ગત તા. 15/2/2020ના આરોપી જુમા ઇબ્રાહિમ રાયશી (રહે. ભીરંડિયારા)એ ભીરંડિયારાથી ગોરેવાલી સમ્પમાં જતી મેઇન લાઇનમાંથી ગેરકાયદે જોડાણ લઇ પી.વી.સી.ની પાઇપલાઇન તોડી પાણીની ચોરી કરી જાહેર મિલકતની નુકસાની કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત તા. 1/2/2020થી તા. 5/5/2020 દરમ્યાન ભીરંડિયારાથી હોડકો આવતી પાણી પુરવઠાની મેઇન લાઇનમાંથી આરોપી સાહેબના તુસીના હાલેપોત્રા (રહે. હોડકો)એ ગેરકાયદે જોડાણ લઇ રૂા. 1,59,894ની પાણીચોરી કરી તથા આરોપી જાણા ઓસમાણ હાલેપોત્રાએ પણ આ રીતે ગેરકાયદે જોડાણ કરી રૂા. 39,127ની પાણીચોરી કરી જાહેર મિલકતને નુકસાન કર્યાની પણ ફરિયાદ નોંધાઇ હતી. આ બંને કેસ ભુજમાં જ્યુ. મેજિ. (ફ.ક.)ની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે કેસો શંકાથી પર પુરાવાર ન કરી શકતાં બંને કેસમાં આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. બંને કેસમાં આરોપીઓ તરફે એડવોકેટ એ. એ. પઢિયાર હાજર રહી દલીલો કરી હતી. - તલવાણાની મિલકતનો દાવો રદ : તલવાણાના જૂના સર્વે નંબર 18 (નવા સર્વે નં. 153) તથા જૂના સર્વે નંબર 18/પૈકી 1 (નવા સર્વે નં. 154)વાળા ઠામો સ્વ. અભેરાજજી તમાચીજીના મૂળ માલિકીના આવેલા હોઇ આ ઠામો તેઓએ સ્વ. લીલાધર ખીમજી સારંગ પાસે વિટાંતર મૂકેલ હોઇ જેને ગીરો મુક્ત કરવા અને કરાર પાલન કરવા અંગેનો દાવો વાદી સ્વ. અભેરાજજી તમાચીજીના વારસદાર જીતુભા દાનુભા જાડેજા વિગેરે દ્વારા પ્રતિવાદીઓ પ્રકાશ લીલાધર દેઢિયા, તલકચંદ લીલાધર દેઢિયા વિગેરે સામે માંડવી સિવિલ કોર્ટમાં દાખલ કર્યો હતો. વાદીનો દાવો સમયમર્યાદા બહારનો હોઇ દાવો રદ કરવાનો હુકમ સિવિલ જજ સ્વાતિ ખત્રી દ્વારા કરવામાં આવ્યો છે. પ્રતિવાદીઓ તરફે એડવોકેટ અરવિંદસિંહ આર. જાડેજા હાજર રહ્યા હતા. - સાયબર ફ્રોડમાં આરોપીના જામીન મંજૂર : આરોપી વિરાંગ ઉર્ફે વીરુ કિશોરભાઇ અખાણી (ઠક્કર) (રહે. ગાંધીધામ) વિરુદ્ધ ભુજના એ-ડિવિઝનમાં અલગ-અલગ બેન્કમાં ખાતા ખોલાવી ઇન્ટરનેટ બેંકિંગ શરૂ કરાવી તે ખાતાંમાં સાયબર ફ્રોડનાં નાણાં સગેવગે કરવાના ગુનાની ફરિયાદ વિરંગ તથા અન્યો સામે નોંધાઇ હતી. આરોપી વિરાંગે ભુજની અધિક સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી કરતાં જામીન મંજૂર થયા છે. - આશાવર્કરને હોદ્દાની લાલચ આપી દુષ્કર્મ કેસમાં આરોપીના જામીન ગ્રાહ્ય : આરોપી પ્રકાશ ચનાભાઇ મહેશ્વરી (રહે. મુંદરા) વિરુદ્ધ ફરિયાદીને આશાવર્કરમાં ફેસિલેટરના હોદ્દાની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધી તથા પતિ અને દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મુંદરા પોલીસ મથકે નોંધાઈ હતી. આરોપીએ નિયમિત જામીનની અરજી કરતાં ભુજની અધિક સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. ઉપરોક્ત બંને કેસમાં આરોપી તરફે ધારાશાત્રી કુલદીપ જે. મહેતા, દેવરાજ કે. ગઢવી, હેતલબેન દવે, નરેશ ચૌધરી, પ્રશાંત એન. રાજપૂત હાજર રહ્યા હતા. 

Panchang

dd