ગાંધીધામ, તા. 15 : ગાંધીધામમાં કચ્છમિત્ર દ્વારા
આયોજિત 'એજ્યુકેશન એક્સ્પો 2.0'માં ડો.
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર દ્વારા અત્યંત સક્રિય અને શૈક્ષણિક
રીતે પ્રભાવશાળી સહભાગીતા નોંધાવવામાં આવી હતી, જેમાં ત્રિ-દિવસીય કાર્યક્રમ દરમિયાન
હજારો વિદ્યાર્થીઓ, વાલીઓ અને જિજ્ઞાસુ મુલાકાતીઓએ યુનિવર્સિટીના સ્ટોલની મુલાકાત લઈ
વિવિધ વ્યવસાયલક્ષી અને પરંપરાગત અભ્યાસક્રમો વિશે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન પ્રાપ્ત
કર્યું હતું. આ એક્સ્પોનાં માધ્યમથી ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકો સુધી `િશક્ષણ તમારા ઉંબરે'ના મંત્રને સાર્થક
કરતા યુનિવર્સિટીના 80થી વધુ
ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સિસ તેમજ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અને ઘરે બેઠાં
ઉચ્ચ શિક્ષણ મેળવવાની વિશેષ સુવિધાઓ અંગે જીવત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા તથા
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ યુનિવર્સિટીના સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું અને સામાજિક
ઉત્તરદાયિત્વ નિભાવતી યુનિવર્સિટીની શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા આધુનિક ડિજિટલ લર્નિંગ
રિસોર્સિસની પ્રશંસા કરી હતી. આ સમગ્ર સફળ આયોજન અને માર્ગદર્શન શિબિરમાં ભુજ પ્રાદેશિક
કેન્દ્રના ડાયરેક્ટર ડો. ધનરાજ ગઢવી, ડેપ્યૂટી ડાયરેક્ટર શિવરાજાસિંહ જાડેજા અને ડેપ્યૂટી
ડાયરેક્ટર શિવાનીબેન ઉમરાણિયાએ હાજર રહીને મુલાકાતીઓને ઉચ્ચ શિક્ષણનાં મહત્ત્વ અને
કારકિર્દી ઘડતરની નવી તકો વિશે માહિતી આપી હતી.