ભુજ, તા. 15 : કેન્દ્ર અને રાજ્ય સરકારની
વિવિધ જનકલ્યાણકારી યોજનાનું સુચારુ અમલીકરણ કરી કચ્છના છેવાડાના વિસ્તાર સુધી વિકાસનો
વ્યાપ વિસ્તારવાને પ્રાથમિકતા આપવાની નેમ નવનિયુક્ત કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ વ્યક્ત
કરી છે. કચ્છ કલેક્ટરનો કાર્યભાર વિધિવત સંભાળ્યા બાદ કચ્છમિત્ર સાથેની ખાસ વાતચીતમાં
શ્રી રાણાવસિયાએ વિશાળ વિસ્તાર, વિષમ ભૌગોલિક પરિસ્થિતિ સહિતનાં કારણે અહીં કામ કરવું
પડકારજનક છે, ત્યારે ભુજની રણકાંધીનાં ગામો, લખપત તેમજ રાપર તાલુકાના છેવાડાનાં ગામો
પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી અહીં સર્વાંગી વિકાસને આડે ક્યા પડકારો છે અને તેને પહોંચી
વળવા શું કરી શકાય એ માટે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે પણ પરામર્શ કર્યો છે. - સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાશે
: કલેક્ટરે કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારના
લોકોના પ્રશ્નો જાણી તેનો વ્યવહારુ ઉકેલ લાવવા તેમજ સરકારની યોજનાઓનો વ્યાપ અંતરિયાળ
ગામો સુધી પહોંચાડવા આગામી દિવસોમાં કચ્છમાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે.
ગામના પ્રશ્નો તલાટી-સરપંચ પાસે આવતા હોય છે. અમુક પ્રશ્નો એવા હોય છે કે, જેનો ઉકેલ
તેમના કાર્યક્ષેત્રની બહાર હોય છે, ત્યારે આવા પ્રશ્નોનો ઉકેલ આ સંવાદ કાર્યક્રમ મારફત
લાવવાનો પ્રયાસ કરાશે. - શિક્ષણ-આરોગ્ય
માટે વિશેષ દરકાર : શ્રી રાણાવસિયાએ
કહ્યું કે, આ સરહદી જિલ્લાના છેવાડાનાં ગામોમાં શિક્ષણ-આરોગ્ય માટે વિશેષ દરકાર લેવાશે.
આ બંને ક્ષેત્રમાં સ્ટાફની ઘટ છે એ સવાલના સંદર્ભમાં કલેક્ટરે કહ્યું કે, સ્ટાફની ઘટ
પૂરાય એ માટે રાજ્ય સરકાર સાથે સુયોગ્ય સંકલન સાધી સમસ્યા નિવારવાના પ્રયાસો કરાશે. - દબાણો સામે સખતાઇ : યુવા સનદી અધિકારી શ્રી રાણાવસિયાએ દબાણકારો
સામે કડક હાથે કામ લેવાશે તેવી વાત કરી હતી. જિલ્લામાં ગૌચર જમીન સહિતમાં વ્યાપક દબાણ
છે એ બાબત જાણીને તેમણે આગામી દિવસોમાં આ મુદ્દે સખતાઇથી કામ લેવાનો નિર્દેશ આપ્યો
હતો. કચ્છમાં પોતાનું પ્રથમ પોસ્ટિંગ મેળવનારા કલેક્ટરે કહ્યું કે, આ વિસ્તાર તેમના
માટે સાવ નવો છે. 10 વર્ષ પહેલાં
સ્ટડી ટૂરના ભાગરૂપે કચ્છ આવ્યા હતા, એ સિવાય અહીં આવવાનું બન્યું નથી. - યોજનાઓનું સુચારુ અમલીકરણ : અનિલકુમાર
રાણાવસિયાએ જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં આગામી સમયમાં તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની
તમામ યોજનાઓનું સુચારુ અમલીકરણ થાય તે બાબતને પ્રાથમિકતા આપીને કચ્છના શહેરોથી લઇને
છેવાડાના નાગરિકોને તેનો લાભ મળે તે દિશામાં કામગીરી કરશે. વિવિધ એસોસિયેશન, સ્ટેકહોલ્ડર્સ
સાથે સંકલન સાધીને આ કાર્ય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં નવનિયુક્ત જિલ્લા
કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા 2014ની બેચના
આઇ.એ.એસ. અધિકારી છે. તેઓ બનાસકાંઠા જિલ્લાના વતની છે અને તેઓએ શૈક્ષણિક કારકિર્દીમાં
બી.ટેક. (ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન)નો અભ્યાસ કર્યો છે.આ નિયુક્તિ પૂર્વે અનિલકુમાર
રાણાવસિયા જૂનાગઢ ખાતે જિલ્લા કલેક્ટર, રાજકોટ ખાતે જિલ્લા વિકાસ અધિકારી, ખેડા જિલ્લામાં
મદદનીશ કલેક્ટર, અમદાવાદ ખાતે નગરપાલિકાઓના આરસીએમ અને ગાંધીનગર ખાતે અન્ન, પુરવઠા
વિભાગ તેમજ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી-ગાંધીનગર ખાતે ફરજો બજાવી ચૂક્યા છે.