• શનિવાર, 18 એપ્રિલ, 2026

ખેતીની જમીનનું પોષણ કરો, શોષણ નહીં

ભુજ, તા. 17 : અક્ષય કૃષિ પરિવાર તથા દેશના વિવિધ સામાજિક સંગઠનોના સંયુક્ત તત્ત્વાવધાનમાં ઐતિહાસિક ભૂમિ સુપોષણ અને જાગરણ અભિયાન ભારતની ભૂમિને સુરક્ષિત કરવા માટે વર્ષ 2021થી નિરંતર ચાલુ છે. પાંચ વર્ષમાં વિવિધ સંસ્થાઓ અને સંગઠનોએ મળીને આ અભિયાન હજારો ગામ સુધી પહોંચાડયું છે. કાર્યક્રમમાં અત્યાર સુધી લાખો ખેડૂતો, સંત-મહાત્માઓ અને ગણમાન્ય વ્યક્તિઓ સામેલ થયાં છે. કચ્છ જિલ્લામાં આ અભિયાનને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ વર્ષે અખાત્રીજના ધરતીપુત્રો માટીની પૂજા કરશે. જલગાંવ-મહારાષ્ટ્રના અમલનેર સ્થિત મંગળગ્રહ સેવા સંસ્થાનની સાથે આ અભિયાનનો શુભારંભ થયો, જ્યાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજાસિંહ ચૌહાણે આ અભિયાનને સારી રીતે સમજી ગામેગામ અને ખેતરે-ખતરે માટીનું પૂજન, ગૌપૂજન કરવા અનુરોધ કર્યો હતો.   જન અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જમીનના પોષણના સંદર્ભમાં ખેડૂતો અને સામાન્ય લોકોનો સંપર્ક કરવાનો છે. જમીનના પોષણ માટે સીધા પ્રયત્નો કરી રહેલા ખેડૂતો પાસેથી પણ શીખવાનું અને જમીનના પોષણ માટે અન્ય રસ ધરાવતા ખેડૂત ભાઈ-બહેનોને પ્રેરણા આપવી આ અભિયાનનો ઉદ્દેશ છે. કચ્છમાં વસતા દરેક લોકો ભલે તે શહેરમાં હોય કે ગામમાં પોતાના સ્તરે આ અભિયાનમાં જોડાઈ શકે છે. આ અભિયાન તા. 20 માર્ચ 2026 ચૈત્ર પ્રતિપદાથી 19 એપ્રિલ 2026 અક્ષય તૃતીયા  સુધી ચાલવાનું છે. હવે આવનારી 19મી તારીખે માટીનું તેમજ ગૌપૂજન કરી આ પરંપરા ફરી શરૂ કરવા માટે આ અભિયાન ચાલે છે.  માટીનું પોષણ એ એક ખેતીની પરંપરા છે જે આપણા ભારતમાં હજારો વર્ષથી જોવા મળે છે. ખેડૂતો જમીનને તેની માતા માને છે અને તેના પોષણ વિશે જાગૃતિ છે. ભારતીય ખેડૂતોએ તેમની જમીનની ફળદ્રુપતા, દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, પાકના અવશેષોમાંથી તૈયાર કરેલું ખાતર વગેરે દ્વારા અને અન્ય ઘણી પદ્ધતિઓ બનાવી છે. પરંપરાગત ભારતીય કૃષિ વિચારસરણી મુજબ આપણી જમીનનું પોષણ કરવું પડશે  શોષણ નહીં.  આ ઉપરાંત દરેક નાગરિક માટીને દૂષિત થતી અટકાવશે તો પણ એક મહત્ત્વનું કાર્ય થયું ગણાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામેગામ અને શહેરોમાં લોકો જોડાય તેવી અપીલ અક્ષય કૃષિ પરિવાર તેમજ રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ભૂમિપૂજન, ગૌપૂજન સાથે  સૌ સંકલ્પિત થાય તેવી રીતે આ અભિયાનમાં જોડાઇ શકાય છે. વધુ માહિતી માટે રામકૃષ્ણ ટ્રસ્ટનો સંપર્ક કરવા અક્ષય કૃષિ પરિવારના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. મનોજભાઈ સોલંકીએ એક યાદીમાં જણાવ્યું છે. 

Panchang

dd