• શનિવાર, 18 એપ્રિલ, 2026

જખૌ નજીક `અલ સફીના'ની જળસમાધિ : પાંચ ખલાસીનો આબાદ બચાવ

નલિયા, તા. 17 : અબડાસા તાલુકાના જખૌ બંદરથી માછીમારી માટે નીકળેલી `અલ સફીના' નામની બોટને કોરીક્રીક નજીક આવેલા સુગારબેટ પાસે અકસ્માત નડતાં તે જળસમાધિ લઈ થઈ હતી. સદ્દભાગ્યે બોટમાં સવાર પાંચેય ખલાસીનો આબાદ બચાવ થયો હતો.  પ્રાથમિક વિગતો મુજબ, શુક્રવારે વહેલી સવારે `અલ સફીના' બોટ જખૌ બંદરથી માછીમારી કરવા દરિયામાં ગઈ હતી. કોરીક્રીક પાસે સુગારબેટ નજીક અકસ્માતે બોટ ડૂબી ગઈ હતી. સુરક્ષા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બોટમાં સવાર પાંચ ખલાસી-સંઘાર ઇસ્માઇલ આદમ, સુભાનિયા હામીદ, સુભાનિયા હનીફ અબ્દુલા, સંઘાર હુસેન ગની અને અંગરિયા અસ્લમ સિદિક-ને આસપાસ માછીમારી કરી રહેલી અન્ય બોટોએ સમયસર બચાવી લીધા હતા.  બોટ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. બાદમાં બચાવ ટીમો પણ મદદ માટે પહોંચી હતી. જો કે, બોટ કયાં કારણોસર ડૂબી તે અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી જાણવા મળી નથી.  માછીમારી માટે જખૌ આવેલી આ બોટ ઓખાની હોવાનું જાણવા મળ્યું હતું અને તેણે દરિયામાં જવા માટે જરૂરી ટોકન પણ લીધું હતું. આ ઘટનાથી જખૌના માછીમાર વર્તુળમાં ચિંતા વ્યાપી ગઈ છે. 

Panchang

dd